હિન્દ ન્યુઝ, રાજપીપલા
નર્મદા જિલ્લા વિકાસ અધિકારી તરીકે જુનાગઢના મદદનીશ કલેક્ટર અને સબ-ડિવીઝનલ મેજીસ્ટ્રેટ અંકીત પન્નુ (IAS) ની બદલી સાથે નિમણૂંક થતા નવનિયુક્ત અંકીત પન્નુએ ગઇકાલે રાજપીપલા ખાતે નર્મદા જિલ્લા વિકાસ અધિકારી તરીકેનો કાર્યભાર (હવાલો) સંભાળી લીધેલ છે. ભારતીય સનદી સેવાઓમાં સને-૨૦૧૮ ની સાલમાં પસંદગી પામેલા અંકીત પન્નુએ ઓગષ્ટ-૨૦૨૦ માં જુનાગઢ જિલ્લામાં જુનાગઢના મદદનીશ કલેક્ટર અને સબ-ડિવીઝનલ મેજીસ્ટ્રેટ તરીકે નિમણૂંક પામી તેમની યશસ્વી કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. દિલ્હીના વતની અને દિલ્હી ટેકનોલોજીકલ યુનિવર્સિટીની બી.ટેકની પદવી ધરાવતા અને ૨૭ વર્ષની યુવા વયના અંકીત પન્નુ ખૂબજ મહેનતૂ અને ઉત્સાહી સનદી અધિકારી હોવાથી નર્મદા જિલ્લાને તેમની વિશિષ્ટ સેવાઓનો પણ વિશેષ લાભ મળી રહેશે. જુનાગઢના મદદનીશ કલેક્ટર અને સબ-ડિવીઝનલ મેજીસ્ટ્રેટ તરીકેની તેમની છેલ્લા દોઢેક વર્ષની સેવાઓ દરમિયાન જુનાગઢ જિલ્લા કલેક્ટરશ્રી રચિત રાજના માર્ગદર્શન અને રાહબરી હેઠળ અંકીત પન્નુ ધ્વારા તેમના કાર્યક્ષેત્રમાં “બેટી બચાવો-બેટી પઢાવો” ને સાચા અર્થમાં સાર્થક કરવાં સમગ્ર ગુજરાતમાં સૌ પ્રથમ પિન્ક કાર્ડનો પ્રોજેક્ટ અમલમાં મુકીને એક અથવા બે દિકરીઓવાળા અંદાજે બે હજાર જેટલા લાભાર્થી પરિવારોને વિવિધ સરકારી સેવાઓમાં પ્રાથમિકતા આપવાની વિશિષ્ટ અને નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે. તદ્ઉપરાંત, વિચરતી અને વિમુક્ત જાતિના જમીન વિહોણા ૬૦ લાભાર્થીઓના ૨૧૯ પરિવારજનોના આવાસ માટે ખાસ જમીનની ફાળવણીની કામગીરી ઉપરાંત જુનાગઢમાં રોપ-વે ની સેવાઓને લીધે અસરગ્રસ્ત ડોલીવાળા પરિવારોને ૧૦૫ જેટલી દુકાનોની ફાળવણી સાથે તેમનું રોજગારી ક્ષેત્રે પુન: સ્થાપન કરાયું હતું. તદ્ઉપરાંત જુનાગઢમાં કોવિડ ઓક્સિજન મેનેજમેન્ટમાં પણ અંકીત પન્નુનું વિશેષ યોગદાન રહ્યું છે. પન્નુને તાજેતરમાં જ ગત જાન્યુઆરી-૨૦૨૨ માં શ્રેષ્ઠ મતદાર નોંધણી અધિકારી તરીકે (BEST ERO) ના એવોર્ડથી પણ સન્માનિત કરાયાં છે. નર્મદા જિલ્લા વિકાસ અધિકારી તરીકેનો અંકીત પન્નુએ કાર્યભાર સંભાળ્યા બાદ જિલ્લામાં એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ અંતર્ગત વિવિધ ક્ષેત્રના ઇન્ડીકેટર્સની પરિપૂર્તિ, કોવિડ મેનેજમેન્ટ, શિક્ષણમાં ડ્રોપ આઉટ રેશિયો નીચો લાવીને શિક્ષણમાં ગુણાત્મક સુધારો લાવવા, ICDS અંતર્ગત કુપોષણ નાબૂદીની દિશામાં પ્રાથમિકતા સાથેની વિશેષ કામગીરી ઉપરાંત આદિવાસી કલ્યાણ સહિતની ગ્રામ વિકાસલક્ષી અને પ્રજા કલ્યાણલક્ષી વિવિધ યોજનાઓના સુચારા આયોજન અને તેના સઘન પરિણામલક્ષી અમલીકરણ સાથે લક્ષીત લાભાર્થી જુથોને તેના મહત્તમ લાભો મળી રહે તેવા ખાસ પ્રયાસો રહેશે, તેમ પન્નુએ જણાવ્યું હતું.
રિપોર્ટર : હિતેન્દ્ર વાસંદિયા, રાજપીપલા