‘આઝાદીકા અમૃત મહોત્સવ’ અંતર્ગત તાલુકા કક્ષાના કલા મહાકુંભ-2021માં વિવિધ સ્પર્ધાઓ યોજાઈ

હિન્દ ન્યુઝ, અમદાવાદ 

            રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને પાટણ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા “આઝાદીકા અમૃત મહોત્સવ” અંતર્ગત કલા મહાકુંભ-2021નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંકુલ તથા શંખેશ્વર ખાતેના 108 પાર્શ્વનાથ જૈન તિર્થ સંકુલમાં તાલુકાકક્ષાનો કલા મહાકુંભ યોજાયો. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના રંગભવન હૉલ, ગાંધી સ્મૃતિ હૉલ તથા લાયબ્રેરી હૉલ ખાતે કલા મહાકુંભ-2021 અંતર્ગત પાટણ, સરસ્વતી અને ચાણસ્મા તાલુકાના સ્પર્ધકો વચ્ચે તાલુકાકક્ષાની વિવિધ સ્પર્ધાઓ યોજાઈ. રંગભવન ખાતે લોક નૃત્ય, ગરબા, ભરતનાટ્યમ તથા વકતૃત્વ સ્પર્ધા, ગાંધી સ્મૃતિ હૉલ ખાતે સમૂહગીત અને એકપાત્રીય અભિનય જ્યારે લાયબ્રેરી હૉલ ખાતે ચિત્રકલા અને નિબંધ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં કુલ 400થી વધુ સ્પર્ધકો ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

                સોશિયલ ડિસ્ટન્સ સહિતની કોવિડ-19 ગાઈડલાઈનના પાલન સાથે યોજાયેલા આ કાર્યક્રમનો શુભારંભ કરાવતાં મદદનીશ કલેક્ટર સચિનકુમારે ઉપસ્થિત સ્પર્ધકો અને કલાકારોને માર્ગદર્શન આપી ઉત્સાહપ્રેરક ઉદબોદન કર્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી વિરેન્દ્રભાઈ પટેલ, જિલ્લા વ્યાયામ મંડળના પ્રમુખ કુબેરભાઈ ચૌધરી તથા સંગીતકાર દિનેશભાઈ દરજી ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ શંખેશ્વર ખાતે આવેલા 108 પાર્શ્વનાથ જૈન તિર્થ સંકુલના સાધન હૉલ તથા ઓપન ઍર થિયેટર ખાતે કલા મહાકુંભ-2021 અંતર્ગત સમી, સાંતલપુર, હારીજ, રાધનપુર તથા શંખેશ્વરના તાલુકાના જેટલા સ્પર્ધકો વચ્ચે તાલુકા કક્ષાની વિવિધ સ્પર્ધાઓ યોજાઈ. કાર્યક્રમનો શુભારંભ કરાવતાં આચાર્ય હેમચંદ્રાચાર્ય મહારાજ સાહેબ દ્વારા દિપ પ્રાગટ્ય કરી ઉપસ્થિત કલાકારોને શુભાશિષ આપ્યા હતા.

આ પ્રસંગે જિલ્લા યુવા વિકાસ અધિકારી વિરેન્દ્રભાઈ પટેલ, પ્રશાંત શેખર મહારાજ, મુનિ હેમ દર્શન, મુનિ પ્રેમ રત્ન ઉપસ્થિત રહ્યા હતા. શંખેશ્વર ખાતે યોજાયેલી આ સ્પર્ધાઓમાં કુલ 400થી વધુ સ્પર્ધકો ઉત્સાહપૂર્વક ભાગ લેવા માટે જોડાયા હતા.

Related posts

Leave a Comment