હિન્દ ન્યુઝ, ભાવનગર
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જેમણે પોતાના પ્રાણ આપ્યા છે તેવા શહીદોની સ્મૃતિમાં તા.૩૦ મી જાન્યુઆરી, ૨૦૨૨ નાં રોજ સવારે ૧૧-૦૦ વાગે બે મિનિટ મૌન પાળવું અને આખા દેશમાં શક્ય હોય તેટલા પ્રમાણમાં કામકાજની અને વાહન વ્યવહારની ગતિ એટલો વખત બંધ રાખવી એવો કાર્યક્રમ નક્કી કરવામાં આવેલ છે. તા.૩૦મી જાન્યુઆરી, ૨૦૨૨ નાં રોજ સહુ કોઈ આ સમયે એક સાથે ગંભીરતાપૂર્વક મૌન પાળી શકે તે માટે ભાવનગર શહેરમાં સવારે અગિયારમાં અર્ધી મિનિટે જુદા જુદા સ્થળોએ આવેલી કચેરીઓ/ઓફીસો અર્ધી મિનિટ માટે સાયરન વગાડશે સાયરન બંધ થાય કે તુરંત જ જ્યાં કામ થતું હોય તેવા બધા જ સ્થળોએ કામ કરનાર સૌ પોત પોતાની જગ્યાએ શાંત ઉભા રહી મૌન પાળવાનું રહેશે. જ્યાં શક્ય હોય ત્યાં વર્કશોપ અને કારખાનાનું કામકાજ બંધ રાખવામાં આવે, આકાશવાણી બે મિનિટ પોતાના કાર્યક્રમ બંધ રાખે અને રસ્તાઓ પરનો વાહન વ્યવહાર થંભી જાય તે જોવા વિનંતી કરવામાં આવે છે. ૧૧:૦૦ વાગે ઉપડવાની ટ્રેનો અને વિમાનોને તેમનાં મથકે બે મિનિટ માટે અટકાવવામાં આવશે. મૌનનો સમય પૂરો થયો છે એમ બતાવવા બરાબર ૧૧:૦૨ મિનિટ સાયરન ફરીથી વાગશે ત્યારે રાબેતા મુજબનું કામકાજ ફરીથી શરૂ કરવાનું રહેશે. ભાવનગરમાં પણ સાયરનની વ્યવસ્થા કરવામાં આવી છે તે સાયરનો પણ ઉપર મુજબ વગાડવામાં આવશે. આ વિધિને ગૌરવશાળી બનાવવામાં મદદ કરવા અને આ રીતે સ્વદેશ માટે પ્રાણની આહુતિ આપનાર શહીદો પ્રત્યેનું ઋણ અદા કરવા સક્રિય સાથ સહકાર મળશે એવી શ્રધ્ધા સાથે સરકાર આ અપીલ કરે છે.
બ્યુરો ચીફ (ભાવનગર ) : હકીમ ઝવેરી