હિન્દ ન્યુઝ, ભાવનગર
ભાવનગર જિલ્લાના ૧૫ થી ૧૮ વર્ષના તરૂણો વહેલામાં વહેલી તકે કોરોના વેક્સિન લઈ લે તે માટે જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેએ અપીલ કરી છે.
જિલ્લા કલેક્ટરએ જણાવ્યું છે કે, રસીકરણ એ જ કોરોના સામે લડવા માટેનું અમોઘ શસ્ત્ર છે. કોરોના જેવી વૈશ્વિક મહામારી સામે લડવા સામે આપણી સજ્જતા જ કારગત નીવડે છે અને ‘આપ સુખી તો જગ સુખી’ ના ન્યાય વહેલામાં વહેલી તકે આ રસીકરણ કરાવી લે તે માટે તેમણે આહવાન કર્યું છે. જિલ્લાના તરુણો સાથે ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ તથા ૬૦ વર્ષથી વધુની ઉંમરના વયસ્ક લોકોને પણ કોરોનાની રસી આપવાનું અભિયાન જિલ્લામાં વ્યાપક રીતે ચાલી રહ્યું છે, ત્યારે રાજ્યના અને જિલ્લાના જવાબદાર નાગરિક તરીકે વહેલામાં વહેલી તકે રસીકરણ કરાવી લે તેવી હાર્દભરી અપીલ તેમણે કરી છે. જે લોકોને હજુ પણ રસી લેવાની બાકી છે તેવાં લોકો માટે જિલ્લામાં ૨૬મી જાન્યુઆરીના રોજ ખાસ વેક્સિનેશન ડ્રાઈવ પણ યોજવામાં આવનાર છે. છેલ્લા કેટલાંક સમયથી જે રીતે કોરોનાનું સંક્રમણ વધ્યું છે તેને લક્ષ્યમાં લઇને રાજ્ય સરકાર તથા આરોગ્ય વિભાગના સંકલનમાં જિલ્લા વહીવટી તંત્ર સુસજ્જ છે. કોરોનાની સંભવિત સ્થિતિને ધ્યાનમાં લઈને જિલ્લામાં કોરોના માટેના અલગ બેડ, ઓક્સિજન ટેન્ક, ઓક્સિજન કોન્સન્ટ્રેટર સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. પ્રજાને કોઈપણ પ્રકારની હાલાકી ન પડે તે માટે અગમચેતીના પગલાં લેવામાં આવી રહ્યાં છે.
કોરોનાની વૈશ્વિક મહામારીથી બચવા માટે સોશિયલ ડિસ્ટન્સિગ, ફરજિયાત માસ્ક તેમજ સેનેટાઈઝરનો ઉપયોગ કરવો વ્યક્તિગત હિતમાં તેમજ સમાજ હિતમાં જરૂરી છે. આ માટે વખતોવખત રાજ્ય સરકાર તેમજ જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવે છે તેનું પાલન કરવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. કોરોના સામે સંરક્ષણ ઉપાયરૂપે જિલ્લામાં ૯૮.૩૩ ટકા પહેલો ડોઝ તેમજ ૧૦૭.૫૮ % બીજો કોરોનાનો ડોઝ નાગરિકોને આપી દેવામાં આવ્યો છે. જેને લઇને લોકોમાં કોરોના સામે એન્ટીબોડી ડેવલોપ થઈ છે.છતાં, કોરોનાને ગંભીરતાથી લેવાની જરૂર છે અને બિનજરૂરી રીતે લોકો બહારના નીકળે, ભીડ ભેગી ન થાય તે જરૂરી છે. કલેકટર યોગેશ નિરગુડેએ જિલ્લાના નાગરિકોને અપીલ કરતા જણાવ્યું છે કે, આપણી ખુદની સ્વયંશિસ્ત જ કોરોના સામે આપણને જીત અપાવી શકે છે. તેને ધ્યાનમાં રાખીને આપણે આરોગ્ય વિભાગના સૂચનો ધ્યાનમાં રાખી તેનું પાલન કરીએ તે આજના સમયની માંગ છે. જિલ્લાના તરુણોને પણ કોરોના સામે સુરક્ષિત કરી શકાય તે માટે જિલ્લાના ૧૫ થી ૧૮ વર્ષની ઉંમરના ૭૩,૩૫૬ હજાર કિશોર- કિશોરીઓને કોરોનાની રસીથી સંરક્ષિત કરવામાં આવ્યાં છે. આમ, ૬૫.૯૫ ટકા તરૂણોને કોરોનાનો પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે. હજુ પણ રસીકરણની કામગીરી ચાલું છે. જેથી હજુ પણ જે તરૂણો બાકી હોય તે વહેલી તકે રસી લઇ લે. જિલ્લામાં ૩૨ ધન્વંતરી રથ કાર્યરત કરવામાં આવ્યા છે. આ રથ જે-તે સ્થળ પર જઈને સ્થળ પર જ નિદાન- સારવાર આપશે.
આમ, સમગ્ર જિલ્લામાં આરોગ્યલક્ષી પગલાં ઉઠાવી કોરોનાનું પ્રસરણ અટકે તે માટે પૂરતાં પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે, ત્યારે આ વૈશ્વિક મહામારી સામે લડવા માટે લોકો પણ સાથ- સહકાર આપે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. જિલ્લામાં કોરોનાની સ્થિતિ અને તેને પહોંચી વળવા માટેના ઉપાયો તથા તૈયારીઓની સમીક્ષા માટે જિલ્લા કલેકટરએ સિહોર, પાલીતાણા અને તળાજા સહિતના સ્થળોની મુલાકાત લઇ આરોગ્ય સ્થિતિ સુસજ્જ બનાવવા પગલાં લીધાં છે.
કલેકટરએ તરૂણો સિવાય ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ તથા ૬૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા વયસ્કોને પણ રસી લઇ લેવાં માટે અનુરોધ કયો છે. સમગ્ર ભાવનગર જિલ્લામાં તેમજ નગરપાલિકા વિસ્તારોમાં રીક્ષાઓમાં લાઉડ સ્પીકર લગાવી તેને વિવિધ વિસ્તારોમાં ફેરવીને કોરોના સંક્રમણને અટકાવવા વિશેના પગલાઓ વિશેની જાણકારી લોકોને આપવામાં આવી રહી છે. જિલ્લાનું સમગ્ર આરોગ્ય તંત્ર આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે રહે તે રીતે તૈયાર રાખવામાં આવ્યું છે. કોરોના વોરીયર્સ એવાં આરોગ્ય કર્મીઓ પણ પોતાનું સર્વસ્વ અર્પણ કરીને કોરોનાના દર્દીઓને બચાવવાં માટે કટિબદ્ધ છે.
જિલ્લામાં ઓક્સિજન, કોરોનાના દર્દી માટેની બેડ વગેરે જેવી વ્યવસ્થાઓ માટેની અગાઉથી જ સઘન તૈયારીઓ આરંભી દઈને કોઈપણ વિપરીત પરિસ્થિતિમાં પહોંચી વળાય તે માટેનું સુવ્યવસ્થિત આગોતરું આયોજન કરવામાં આવ્યું છે.
ધન્વંતરી રથ અને સંજીવની રથ દ્વારા વિવિધ વિસ્તારોમાં સ્થળ પર જ કોરોનાનું ટેસ્ટિંગ તથા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓને સ્થળ પર જ દવા આપવામાં આવી રહી છે.તદુપરાંત વરિષ્ઠ નાગરિકો અને ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને પ્રિકોશનરી ડોઝ આપવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. ‘પહેલું સુખ તે જાતે નર્યા’ ના ન્યાયે પોતે સુરક્ષિત બની સમાજને પણ સુરક્ષિત બનાવીએ તેવી કલેકટરએ અપીલ કરી છે.
બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી