બોટાદ ખાતે ગુડ ગવર્નન્સ ઉજવણી અંતર્ગત ખેતીવાડી વિભાગ દ્વારા કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, બોટાદ

            રાજય સરકાર દ્વારા પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીના જન્મદિન નિમિત્તે સુશાસન/ગુડ ગવર્નન્સ સપ્તાહ ની ઉજવણી અંતર્ગત આજ રોજ ખેતીવાડી વિભાગ દ્વારા નગરપાલિકા બોટાદ સ્થિત નાનાજી દેશમુખ ઓડીટોરીયમ હોલ ખાતે કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગઢડા ધારાસભ્ય આત્મારામભાઈ પરમારે પ્રસંગને અનુરૂપ પ્રવચન કરતા જણાવ્યુ હતું કે, ભારત ખેતી પ્રધાન દેશ છે ખેતી કેવી રીતે સમૃધ્ધ બને, રાષ્ટ્રના – રાજયના ખેડૂતોને યોજનાનો લાભ કઈ રીતે મળે તેના પ્રયાસો સરકાર કરી રહી છે દેશના વિકાસમા ખેડૂતોનો મહત્વનો ભાગ રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો કઈ રીતે સમૃદ્ધ બને તેના પ્રયત્નો સરકાર સતત કરતી રહી છે. ખેડુતને મજબૂત બનાવવા માટે ખેતી વિષયક લાભો આપવા જરૂરી છે સૌની યોજના અંતર્ગત જળસિંચાઈ ક્ષેત્રે સરકારએ પાણીના પ્રશ્નોનો નિકાલ કર્યો છે, ગામની અંદર પણ પીવાના પાણી પહોંચાડવાનું કામ સરકારએ કર્યું છે. દેશના ખેડુતોનો વિકાસ થાય તે સ્વપ્નું આજે સાકાર થવા જઈ રહ્યુ છે સરકારની અનેકવિધ યોજનાઓ સરકાર દ્વારા અમલમાં મુકી છે કૃષિક્ષેત્રે થતા નુકશાન બદલ તેનું વળતર તેમજ પાકવીમાની રકમ ચુકવવામાં આવી છે. સરકારની વિવિધ યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે તેવા પ્રયાસો સરકાર દ્વારા અનેક કાર્યક્રમો યોજી કરવામાં આવે છે તથા કાર્યક્રમના સુચારુ આયોજન કરવા બદલ વહીવટી તંત્રને અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ વીરાણીએ પ્રસંગ અનુરૂપ ઉદ્દબોધન કર્યું હતું. આ પ્રસંગે નાયબ બાગાયત નિયામક જે.ડી.વાળાએ વિવિધ યોજનાઓની જાણકરી આપી હતી.

             અત્રે ઉલ્લેખનીય છે કે, ખેતીવાડી વિભાગ દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતોને ગાયના નિભાવ માટે પ્રતિ માસ ૯૦૦/- રૂ. સહાય, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને જીવામૃત બનાવવા માટે રૂ.૧૩૫૦ ની સહાય, સજીવ ખેતી કરતા ખેડૂતોને ઈનપુટ સહાય ૫૦૦૦-/હેકટર, સ્માર્ટ હેન્ડ ટુલ્સ માટે સહાય, પાક સંગ્રહ સ્ટ્રકચર માટે રૂ.૫૦૦૦૦/- સુધીની સહાય, ટપક/ફુવારા પિયત પધ્ધતિ અપનાવી પિયતનો વ્યાપ વધારવા માટે ભુગર્ભ ટાંકા માટે સહાય, બાગાયતી ખેતી કરતા ખેડૂતોને શાકભાજી, ફળોના બગાડ અટકાવવા માટે વિનામૂલ્યે શેડ/છત્રીની સહાય તેમજ કિસાન પરિવહન યોજના અંતર્ગત ભારવાહક સાધન સહાય સહિતની સહાયો થકી ખેડૂતોનો વિકાસ થાય તેનો વિચાર કરી સરકારશ્રીએ જુદી જુદી યોજનાઓ અમલમાં મુકી છે. આ પ્રસંગે ધારાસભ્ય આત્મારામભાઈ પરમાર તથા મહાનુભાવોના હસ્તે ખેડૂત લાભાર્થી મિત્રોને ખેતીવાડી વિભાગની સહાયનું તથા મંજૂરી પત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શાબ્દિક સ્વાગત વિધિ જિલ્લા ખેતીવાડી અધિકારી બી.એચ.પીપળીયાએ કરી હતી. આ કાર્યક્રમમાંજિલ્લા કલેકટર બી.એ.શાહ, જિલ્લા વિકાસ અધિકારી લલીતનારાયણસિંઘ સાંદુ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ ધીરૂભાઈ બાવળીયા, મધૂસુદન ડેરીના ચેરમેન ભોળાભાઈ રબારી, કારોબારી સમિતિના ચેરમેન ભગવતસિંહ દાયમા સહિત જુદી જુદી સમિતિના ચેરમેનઓ, એપીએમસી બોટાદ ચેરમેન જીવરાજભાઈ, પ્રમુખ પી.બી.પટેલ સહિતના મહાનુભાવો તેમજ અધિકારી – કર્મચારી તેમજ મોટી સંખ્યામાં ખેડૂતમિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment