આગામી તા.૯ થી લઘુતમ ટેકાનાં ભાવે મગફળી ખરીદીની પ્રક્રિયા શરૂ કરાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર

સરકાર દ્રારા તા.૦૯/૧૧/૨૦૨૧ (લાભપાંચમ)થી લઘુતમ ટેકાના ભાવે મગફળીની જે ખેડૂતો દ્રારા ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવેલ છે તેની પાસેથી ખરીદીની પ્રક્રિયા ચાલુ કરવાનું નક્કી કરેલ છે. જે મુજબ ભાવનગર APMC ખાતે ભાવનગર, ઘોઘા, ઉમરાળા અને વલ્લભીપુર તાલુકાના ખેડૂતોનો સમાવેશ કરવામાં આવેલ છે. તળાજા APMC ખાતે તળાજા તાલુકાના ખેડૂતો, મહુવા APMC ખાતે મહુવા તાલુકાના અને જેસર તાલુકાના ખેડૂતોનો સમાવેશ કરેલ છે. પાલીતાણા APMC ખાતે પાલીતાણા અને સિહોર તાલુકાના ખેડૂતોનો સમાવેશ કરેલ છે. જ્યારે ગારીયાધાર APMCમાં ગારીયાધાર તાલુકાના ખેડૂતોનો સમાવેશ કરેલ છે.

ખેડૂત ટેકાના ભાવે મગફળી વેચાણ માટે માર્કેટ યાર્ડમાં લાવે તે પહેલા દર્શાવેલ પેરામિટર મુજબની મગફળી હોય તો જ ટેકાના ભાવે વેચાણ માટે માર્કેટીંગ યાર્ડમાં લાવવા જણાવવામાં આવે છે. જેમાં (૧) મગફળીના દાણાનો ઉતારામાં મોટી મગફળી ૬૫% (૧૦૦ ગ્રામ આખી મગફળીમાંથી નીકળેલ દાણા ઓછામાં ઓછા ૬૫ ગ્રામ થવા જોઈએ) અને નાની મગફળી ૭૦% (૧૦૦ ગ્રામ આખી મગફળીમાંથી નીકળેલ દાણા ઓછામાં ઓછા ૭૦ ગ્રામ થવા જોઈએ), (૨) વિદેશી અશુધ્ધિઓ ૨%ની મર્યાદામાં (૧૦૦ ગ્રામ આખી મગફળીમાં વધુમાં વધુ ૨ ગ્રામ વિદેશી અશુધ્ધિ જ માન્ય), (૩) તુટેલા પોડ અથવા દાણા ૨%ની મર્યાદામાં (૧૦૦ ગ્રામ આખી મગફળીમાં વધુમાં વધુ ૨ ગ્રામ તુટી પડેલા પોડ અથવા દાણા જ માન્ય), (૪) અન્ય પોડ મિશ્રણ દાણા મહતમ ૪%ની મર્યાદામાં હોવી જોઈએ (૧૦૦ ગ્રામ આખી મગફળીમાં વધુમાં વધુ ૪ ગ્રામ અન્ય પોડ મિશ્રણ દાણા જ માન્ય), (૫) ચીમળાયેલા અને અપરિપક્વ પોડ ૪%ની મર્યાદામાં (૧૦૦ ગ્રામ આખી મગફળીમાં વધુમાં વધુ ૪ ગ્રામ ચીમળાયેલા અને અપરિપક્વ પોડ જ માન્ય), (૬) જીવાતના કાણા પડેલ દાણાની સંખ્યા ૧%ની મર્યાદામાં (૧૦૦ ગ્રામ આખી મગફળીમાં વધુમાં વધુ ૧ગ્રામ જીવાતના કાણા પડેલ દાણાની સંખ્યા જ માન્ય) અને (૭) ભેજના મહત્તમ ૮%ની મર્યાદામાં (આ પેરામીટરમાં ભેજની ટકાવારી વધુમાં વધુ ૮% હોવી જોઈએ) લાવવાની રહેશે.
જે ખેડૂતો દ્રારા ટેકાના ભાવે મગફળી વેચવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવેલ છે તેમને ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્રારા ઓનલાઇન રજીસ્ટર કરાવેલ મોબાઇલ નંબર પર મેસેજ અથવા ફોન કરી સૂચના આપવામાં આવે તે દિવસે જ મગફળીનો જથ્થો સાફસુફ કર્યા બાદ જ વેચાણ માટે લાવવાનો રહેશે જેની નોંધ જિલ્લાના ખેડૂતોને લેવાં તેમજ વધુ માહિતી માટે જિલ્લા કક્ષાના કંટ્રોલરૂમ નં ૦૨૭૮-૨૪૨૮૯૦૮ પર સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે.

Related posts

Leave a Comment