આજના ગુરુ પુષ્યામૃતમાં ૬૭૭ વર્ષ બાદ ગુરૂ અને શનિ એકજ રાશિ માં, ગુરુ પુષ્યામૃતમાં ડભોઇ નગર અને તાલુકાના લોકો સોના ચાંદીની ખરીદી કરવા ઉમટી પડ્યા

હિન્દ ન્યુઝ, ડભોઈ

             જેમ શુભ મુહૂર્તમાં કરવામાં આવતી પૂજા પૂરુ ફળ આપે છે, તેવી જ રીતે શુભ મુહૂર્તમાં કરવામાં આવેલી ખરીદી સુખ-સમૃદ્ધિ લાવે છે. ધર્મ અને જ્યોતિષમાં ગુરુ પુષ્યામૃત નક્ષત્રને ખરીદી માટે સૌથી શુભ માનવામાં આવે છે. આ વખતે ખરીદી માટેનો આ શુભ સમય દિવાળી અને ધનતેરસ પહેલા આવી રહ્યો છે. આ દિવસે ખરીદી અને રોકાણ કરવાથી ઘણો ફાયદો થાય છે. ગુરુ-પુષ્ય નક્ષત્ર આજે સવારે ૯:૪૨ કલાકથી શુભ અવસર શરૂ થાય છે આખો દિવસ ગુરુ પુષ્યામૃત યોગ થતો હોય છે. જેથી ડભોઇ નગરના સોની બજારોમાં ગુરૂ પુષ્યામૃત ના દિવસે ભારે ભીડ જોવા મળી હતી.

           આશ્ચર્યજનક વાત એ છે આજે માત્ર ગુરુ-પુષ્ય નક્ષત્ર જ નહીં, પરંતુ ગુરુ અને શનિ એક જ રાશિમાં રહેશે. આવો શુભ સંયોગ ૬૭૭ વર્ષ પછી બન્યો છે. આ ઉપરાંત ગુરુવારે ગુરુ-પુષ્ય નક્ષત્ર રહેવું શ્રેષ્ઠ છે. આ કારણે ૨ નવેમ્બરે ધનતેરસ અને ૪ નવેમ્બરે દિવાળીએ ખરીદી માટે ખૂબ જ શુભ અવસર મળશે. આ દિવસે ખરીદી સિવાય રોકાણ કરવું પણ ખૂબ જ શુભ સાબિત થશે.

           ગુરુ-પુષ્ય નક્ષત્ર જ્યોતિષશાસ્ત્રમાં તમામ ૨૭ નક્ષત્રોમાંથી પુષ્ય નક્ષત્રને શ્રેષ્ઠ માનવામાં આવે છે. પુષ્ય તમામ અનિષ્ટો કે સંકટોઓનો નાશ કરે છે. તેથી પુષ્ય નક્ષત્રને શુભ કાર્ય કરવા માટે સૌથી શુભ મુહુર્ત માનવામાં આવે છે. આ મુહૂર્તમાં કરવામાં આવેલું કાર્ય અન્ય શુભ મુહૂર્તો કરતાં અનેક ગણું વધારે ફળ આપે છે. જો કે આ મુહૂર્તમાં લગ્ન નથી થતા. બૃહસ્પતિ દેવ અને ભગવાન રામનો જન્મ પણ આ નક્ષત્રમાં થયો હતો. એવું માનવામાં આવે છે કે આ નક્ષત્રમાં જન્મેલા લોકો મહાન કામ કરે છે અને ખૂબ જ દયાળુ, ધાર્મિક, ધનવાન હોય છે અને સ્વભાવથી ઘણી કળાઓ જાણે છે. સાથે જ આ પુષ્ય નક્ષત્રમાં જન્મેલી છોકરીઓ પોતાના પરિવારનું નામ રોશન કરે છે. આવી છોકરીઓ ખૂબ ભાગ્યશાળી, દયાળુ, ધાર્મિક, હિંમતવાન અને બુદ્ધિશાળી હોય છે. એવું માનવામાં આવે છે.

          આવા રાજયોગ માં ખરીદી કરવી એ ઉત્તમ ગણાય છે તેમજ નક્ષત્રોનો રાજા ગણાતો પુરુષ અમૃત યોગ હીરા ધાતુ ધાન્ય વગેરે પ્રાપ્ત કરવા માટે શુભ ગણાય છે. આ વર્ષે ૨૪ કેરેટ સોનાના દાગીના નો ભાવ અંદાજિત ૪૪,૦૦૦ની આસપાસ છે. છતાં પણ લોકો આ શુભ અવસર ઉપર મન મૂકીને ખરીદી કરતા હોય છે.

           જેથી આ શુભ અવસર ઉપર ડભોઇ -દર્ભાવતિ નગરીના સોના-ચાંદીના બજાર જેવા કે લાલ બજાર, ચોકસી બજાર જેવા સોના-ચાંદીના વેચાણ કરતા બજારોમાં સોના-ચાંદીના દાગીના, પૂજાના વાસણો જેવી વસ્તુઓ ની ખરીદી કરવા માટે લોકો ઉમટી પડ્યા હતા.

રાજેશ વાળંદ, ડભોઇ

Related posts

Leave a Comment