હિન્દ ન્યુઝ, ભાવનગર
અષાઢ ઉચારં, મેઘ મલ્હારં, બની બહારં, જલધારં…..
ભાવેણાંના રાજ્યકવિ શ્રી પિંગળશીભાઈ નરેલા (ગઢવી)નો જન્મ તા.૧૦/૧૦/૧૮૫૬ના રોજ ગોહિલવાડ રાજ્યની પુરાતન રાજધાની સિહોર ખાતે રાજ્યકવિ પિતા પાતાભાઈ નરેલા અને માતા આઈબાની પવિત્ર કુખે થયો હતો. તળાજા તાલુકાનું શેવાળિયા ગામ એ તેઓનું મોસાળ હતું. ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, ચારણી અને વ્રજભાષાના તેઓ જાણકાર હતાં. આ નરેલા પરિવારની સતત પાંચ પેઢી મુળુભાઈ, પાતાભાઈ, પિંગળશીભાઈ, હરદાનભાઈ અને સૌથી છેલ્લે બળદેવભાઈ નરેલાએ રાજ્યકવિનું પદ શોભવ્યું હતું. જ્યારે મહારાજા તખ્તસિંહજી, ભાવસિંહજી તથા કૃષ્ણકુમારસિંહજી ગોહિલ એમ સતત ત્રણ રાજપેઢી સુધી પિંગળશીભાઈએ રાજ્યકવિ પદ દીપાવ્યું હતું. તેઓ માત્ર રાજયકવિ જ ન હતાં, પરંતુ એક પવિત્ર ચારણ અને પ્રભુપરાયણ મહાપુરુષ પણ હતાં, માટે જ તેઓને દેવતાતૂલ્ય ચારણનું બિરુદ મળ્યું હતું.
તેઓના સંત સમાન હૃદયને સાચું જળ તો મહારાજા તખ્તસિંહજીએ જ સિચ્યું હતું. મહારાજના તમામ સખાવતી કામ આ રાજ્યકવિની દેખરેખ હેઠળ જ ચાલતાં હતાં.
રાજયકવિની પ્રેરણાથી જ ભાવનગરની પ્રજાને સર તખ્તસિંહજી સરકારી હોસ્પિટલની ઉત્તમ ભેટ મળી હતી. આ એ જ હોસ્પિટલ છે, જેને કારણે ભાવનગરના અનેક લોકોના જીવ કોરોના કાળમાં બચાવી શકાયાં છે. તેઓ દરરોજ સવારે ચાર વાગ્યે જાગતાં અને હાથમાં કલમ ધારણ કરી સરસ્વતીની કૃપાથી એક ઉત્તમ પદની રચના કરતાં હતાં. શિવ અને શક્તિના ગણ સમાન આ ચારણ કવિએ બરવાળા પંથકમાં બિરાજમાન પાંડવ સ્થાપિત ભીમનાથ મહાદેવની આરાધના કરતાં ચર્ચરી છંદમાં લખ્યું છે કે :
આદિ શિવ ઓઉંકાર, ભજન હરત પાપ ભાર, નિરંજન નિરાકાર ઈશ્વર નામી, દાયક નવ નિધિ દ્વાર, ઓપત મહીમા અપાર, સર્જન સંસાર સાર શંકર સ્વામી, ગેહરી શિર વહત ગંગ, પાપ હરત જળ તરંગ, ઉમિયા અરધંગ અંગ કેફ આહારી, સુંદર મૂર્તિ સમ્રાથ, હરદમ જુગ જોડી હાથ, ભજહું મન ભીમનાથ શંકર ભારી…૧.
લોકસાહિત્યના કાર્યક્રમોમાં રજૂ થતાં તેઓના ૠતુવર્ણનો આજે પણ ખૂબ જ લોકપ્રિય ઉપરાંત લોક હૈયે વસેલાં છે.
અષાઢ ઉચારં, મેઘ મલારં, બની બહારં, જલ ધારં,
દાદૂર, હકારં, મયુર પુકારં, તડિતા તારં, વિસ્તારં,
નાં લહિ સંભારં, પ્યાસ અપારં, નંદ કુમારં, નીરખ્યારી,
કહે રાધે પ્યારી, હું બલિહારી, ગોકુલ આવો ગિરિધારી….૯
જ્યારે શૂરવીરતા વિષયક તેઓના ત્રિભંગી છંદ આજે કેમ વિસરાય…??
કર ધરી તલવારં, કમર કટારં, ધનુકર ધારં, ટંકારં,
બંદૂક બહારં, મારં મારં, હાહા કારં હોકારં,
નર કંઈ નાદારં, કરત પુકારં, મુખ ઉચારં, રામ નથી,
વીત વાવરવાનું, રણ ચડવાનું, ના મરદાનું કામ નથી….૩.
તેઓ ભાવનગરના રાજ્યકવિ હતાં પરંતુ રાજ્યમાં પધારેલ અન્ય કવિઓને રાજમાંથી ભેટ મળી હોય તેમ છતાં પોતે પણ ભેટ અર્પણ કર્યા બાદ જ કવિઓને વિદાય કરતાં હતાં.તેઓ ભક્તકવિ ઉપરાંત દાતાર તરીકે પણ જાણીતા હતાં.
ભાવેણાં સ્ટેટ તરફથી તેઓને ૧૦ સાંતીનું શેઢાવદર (તા.ભાવનગર) ગામ અર્પણ કરવામાં આવેલું. એક વખત તેઓ ખળાટાણીમાં શેઢાવદર ગયેલાં. ખેડૂતો અને પોતાના ભાગની વહેંચણી થતી હતી. તે સમયે ત્યાં કોઈક માગણિયાત આવી ચડ્યાં. તેઓએ પોતાના ભાગમાંથી દાણાં આપવા માટે ખેડૂતને જણાવ્યું. ખેડૂતે માગણિયાતના ફાળિયામાં થોડું અનાજ આપ્યું. રાજ્યકવિ બેઠાં-બેઠાં જોયાં કરે અને ખેડૂતને કહે “મારા ભાગમાંથી અનાજ આપતાં પણ તારો જીવ કેમ નથી ચાલતો ?” તુરંત જ તેઓ ઉભા થયાં, ફરીથી ફાળિયું સરખું પથરાવ્યું અને પોતાના અનાજના ઢગલામાંથી આડે હાથે બે-ચાર છાલકું મારી ત્યાં તો ફાળિયામાં સમાય નહીં એટલો મોટો ઢગલો થઈ ગયો. સાથે-સાથે તેઓની આંગળીમાં પહેરેલો સોનાનો વેઢ પણ સરીને ફાળિયામાં જઈ પડ્યો.
ખેડૂત કહે : “બાપુ, ફાળિયામાં વેઢ પડી ગયો.”
પિંગળશી બાપુ કહે : “ભલે રહ્યો, તેના ભાગ્યનો હશે.
માટે જ રાજ્યકવિ ચર્ચરી છંદમાં લખે છે કે :
ઉત્તમ અધિકાર આપ, મેરુ સમ ભયા માપ,
પૂર્વ પુણ્યકા પ્રતાપ વૈભવ પાયા,
શિર ઘરના સૂમ છાપ, વિપત્તિ હરિ લે વિલાપ,
મત કર સંતાપ પાપ જૂઠી માયા,
બસ્તી સબ કહત બાપ, સ્થિર કર મન, ધર્મ સ્થાપ,
જપ તું નિત અલખ જાપ, ધીરજ ધારી,
તજી દે અભિમાન તાન, મેરા તું કહ્યા માન,
અંતે છૂટ જાત પ્રાણ જૂઠી યારી….૧.
આ જ શેઢાવદર ખાતે મલેક જમાદારના છોકરાં દૂઝાણાં વિના ન રહે માટે ગોવાળને કહે આજે ભેંસો દોહીશ નહીં. બોધરું ઓસરીની કોરે મુકી અને ભેંસને શીંગડે ધી ચોપડ. પછી તું ભેંસ અને બોધરું બંને લઈને મલેક જમાદારના ઘરે જા. ત્યાં ભેંસ બાંધતો આવજે અને બોધરું પણ ત્યાં જ મૂકતો આવજે નહીંતર ભેંસ દોહે શેમાં ? રૈયાતની ચિંતાવાળા આ રાજકવિના જીવનમાંથી માનવતાના અનેક પ્રસંગો મળી આવે છે.
દેવીપુત્ર તરીકે ભગવતી ચામુંડા માતાજી અને ગોહિલવાડની આરાધ્ય દેવી આઈ શ્રી ખોડિયારની વંદનાની રચના કરી છે, જે આજે પણ ઘર-ઘર ગુંજે છે.
ખોડિયાર છે યોગમાયા, મામડિયાની
ખોડિયાર છે યોગમાયા… ટેક.
કરુણા રાખીને પોતે કરે છે,
સેવકને હાથથી છાંયા…મામડિયાની…
નમી નમી શરણુંમાં નવે નોરતાંમાં,
ગુણ કવિ પિંગલ ગાયા…મામડિયાની..
બહોળો રોટલો, પહોળો હાથ, વિશાળ હૃદય અને સૌની સાથે એક જ ભાવ, એક જ બોલ, સૌને એક જ આસન, અને સૌની સાથે એક જ પ્રકારનું વર્તન, ન દિલચોરી, ન વિવેક કે વ્યવહારમાં વધ-ઘટ.
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીજી નોંધે છે કે : અડીખમ દેહના એ મેઘકંઠીલા ચારણ કવિનું ગરવું અને ગંભીર વ્યક્તિત્વ એમણે એક પણ કવિતા ન રચી હોત તો પણ સોરઠી જીવનને સમૃદ્ધ કરવા માટે બસ હતું. એમની દિલાવરી, એમનો રોટલો, એમની અજાતશત્રુતા, માથું વાઢી લેવા વાંછનારને પણ ખમ્મા કહેનારી એમની મનમોટપ એમના જીવનના અનેક સંભારણા હૃદયમાં સંઘરાઈને સદાય પડ્યા રહેશે.
તેઓના પ્રભુભક્તિના પ્રેમલક્ષણાયુક્ત પદ અત્યારે મીરાંબાઈ, નરસિંહ સહિત અનેક આદિ સંતોની વાણી સાથે સ્થાન મેળવી એકતારાના તાર પર ગવાઈ રહ્યાં છે. ભક્ત હૃદયના એ ભડ પુરુષ ડેલીની ચોપાટમાં બેઠાં હોય, હું જઈ ઉભો રહું, જૂની અનેક માહિતીઓ માંગુ, તેના ઉત્તરમાં ઘન ગંભીર કંઠે, આંખ સંકોડી, યાદશક્તિ ઢંઢોળી પછી વાતો કરે, પ્રોત્સાહન આપે, પીઠ થાબડેએ મનોમૂર્તિ આજે પણ માનસપટ પર નખશિખ મોજુદ છે. મહાકવિ નાનાલાલ અને મેઘાણીજીએ તેઓને ‘લાસ્ટ મીનસ્ટ્રલ’ અર્થાત મધ્યયુગનો છેલ્લો સંસ્કારમૂર્તિ ચારણ કહ્યાં છે. ચારણ હિતવર્ધક સભાના પાયાના પથ્થરો પૈકીના એક તેઓ ‘કૃષ્ણકુમારસિંહજી ચારણ બોર્ડીંગ, ભાવનગર’ ની સ્થાપના કરી, ગઢવી સમાજના વિદ્યાર્થીઓ માટે શિક્ષણના ધામનું નિર્માણ કરી ગયાં છે.
તેઓએ મહાત્મા ઇશરદાસજીના ‘હરિરસ’ ગ્રંથના સંપાદન ઉપરાંત શ્રીકૃષ્ણ બાળલીલા, ચિત્ત ચેતાવની, તખ્ત પ્રકાશ, ભાવભૂષણ, પિંગળ કાવ્ય ભાગ -૧ અને ભાગ -૨, સુબોધ માળા, ઈશ્વર આખ્યાન, પિંગળ વીર પૂજા, સુજાતા ચરિત્ર, સપ્તમણી અને સત્યનારાયણ કથા પુસ્તકોની રચના કરી છે. ભાવનગર શહેર ખાતે વડવા પાનવાડી રોડ પર આજે પણ પિંગળશીબાપુની ડેલી આવેલી છે.
રાગદ્રેષથી મુક્ત, નિરાભિમાની અને દરિયાવદિલના માલિક, માનવપ્રેમ અને ઈશ્વરભક્તિથી રંગાયેલા જ્ઞાની હૃદયના આ રાજ્યકવિએ તા. ૩/૩/૧૯૩૯ ના રોજ ૮૩ વર્ષની વયે હરિસ્મરણ કરતાં કરતાં દેહ છોડી સ્વર્ગે સિધાવ્યા હતાં. તેમના જવાથી સાહિત્ય જગતને અને ગોહિલવાડને ક્યારેય પૂરી ન શકાય તેવી ખોટ પડી છે. છતાં, તેમણે રચેલું સાહિત્ય આવનારી અનેક પેઢીઓ સુધી સાહિત્ય જગતનું માર્ગદર્શન કરતું રહેશે.
બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી