હિન્દ ન્યુઝ, મોરબી
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વરદ હસ્તે થનાર રાષ્ટ્ર વ્યાપી સામુહિક ઈ-લોકાર્પણના ભાગરૂપે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા મોરબી જિલ્લાનો કાર્યક્રમ મોરબી ટાઉનહોલ ખાતે રાજયમંત્રી અરવિંદ રૈયાણીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો.
કોરોનાની સંભવિત ત્રીજી લહેરની પૂર્વ તૈયારીરૂપે કેન્દ્ર સરકાર, રાજય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે વિવિધ પગલા લેવાઇ રહયા છે અંતર્ગત રાજયમાં વિવિધ પીએમ કેર પી.એસ.એ. ઓકિસજન પ્લાન્ટસનું માન.વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વરદ હસ્તે ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત મોરબી સિવિલ હોસ્પિટલ ખાતેના PSA ઓકિસજન પ્લાટનું પણ ઈ-લોકાર્પણ વાહન વ્યવહાર મંત્રી અરવિંદ રૈયાણીની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
મોરબી ટાઉનહોલ ખાતે આયોજીત સમારંભમાં રાજયમંત્રી અરવિંદ રૈયાણીએ જણાવ્યું હતું કે, કોરોના જેવી વૈશ્વિક મહામારીના સમયમાં સૌના સાથ અને સહકારથી કોરોના સામેની લડત ચાલી રહી છે. કોરોનાની પહેલી અને બીજી લહેર બાદ ત્રીજી લહેરનો સામનો કરવા માટે અગમચેતીના ભાગરૂપે ઓક્સીજન પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યા છે. કોરોનાને નાબૂદ કરવા માટે વેક્સીનેશન કામગીરીમાં પ્રજાને સાથ સહકાર આપવા પણ આ તકે મંત્રીએ અપીલ કરી હતી.
કોરોના મહામારીમાં વહિવટી, આરોગ્ય તેમજ પોલીસ કર્મચારીઓ તેમજ સામાજિક સંસ્થાઓએ કરેલી કામગીરીની સરાહના કરતા તેમણે જણાવ્યું હતું કે, મેડીકલ સ્ટાફે પોતાની કે પરિવારની ચિંતા કર્યા વિના કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા કરી છે.
કોરોના સામેની લડાઇમાં ભવિષ્યની કોઇ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે શુધ્ધ ઓકિસજન સરળતાથી મળી રહે ઉપરાંત મોરબી જિલ્લાની અન્ય જરૂરીયાતો પૂરી કરવા માટે પણ મંત્રી અરવિંદ રૈયાણીએ ખાતરી આપી હતી.
આ પ્રસંગે સાંસદ મોહનભાઇ કુંડારીયાએ જણાવ્યું હતું કે, કોરોનાની ત્રીજી લહેર આવે જ નહીં તેવી કામગીરી થઇ રહી છે અને છતાં ત્રીજી લહેર આવે તો અગમચેતીના ભાગરૂપે તમામ પગલાંઓ તેમજ તૈયારીઓ કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલને વધુને વધુ સુવિધાઓથી સજ્જ કરવામાં આવી રહી છે. આ સાથે જ કોરોના કાળમાં આરોગ્ય વિભાગ દ્વારા થયેલ કામગીરીની પણ સરાહના કરી હતી અને કોરોના વોરિયર્સને બિરદાવ્યા હતા.
આ તકે મોરબીના ધારાસભ્ય અને મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ તેમના શુભેચ્છા સંદેશમાં મોરબી માટે ૨ કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવેલ હોવાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો. જ્યારે કચ્છ-મોરબી સાંસદ વિનોદભાઇ ચાવડાએ પણ શુભેચ્છા સંદેશ પાઠવેલ હતો.
આ પ્રસંગે ઈ-માધ્યમથી જોડાયેલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ઓકિસજનના નિર્માણ માટે અને તેના પરિવહન માટે યુધ્ધના ધોરણે પ્લાન્ટનું નેટવર્ક ઉભું થઇ રહયું છે અને હવે તમામ જિલ્લા આ સાથે જોડાઇ રહયા હોવાનો ઉલ્લેખ કર્યો હતો. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ પણ ઈ-માધ્યમથી જોડાયા હતા.
આ પ્રસંગે મોરબી જિલ્લામાં કોરોનાકાળમાં ઉમદા કામગીરી કરનાર તેમજ રસીકરણની કામગીરીમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર કોરોના વોરિયર્સનું મંત્રી તેમજ ઉપસ્થિત મહાનુભવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મંત્રી અરવિંદ રૈયાણી, સાંસદ મોહનભાઇ કુંડારીયા ઉપરાંત જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજી દેથરીયા, જયુભા જાડેજા, નિર્મલસિંહ જારીયા, નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર, લાખાભાઇ જારીયા, જયરાજસિંહ જાડેજા, જિલ્લા કલેક્ટર જે.બી. પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, ડૉ. જે.એમ. કતીરા, પી.કે. દુધરેજીયા, કે.આર. સરડવા તથા અન્ય અગ્રણીઓ, વહીવટી તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ આરોગ્ય તંત્રના અધિકારીઓ અને નગરજનો ઉપસ્થિત રહયા હતા.
રિપોર્ટર : વિષ્ણુ મજેઠીયા, મોરબી