હિન્દ ન્યુઝ, ડભોઈ
“હરિધામ સોખડાની મુલાકાત લઈ અક્ષરધામ નિવાસી પ.પૂ.હરિપ્રસાદ સ્વામીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા કોંગ્રેસના અગ્રણીઓ “
ધાર્મિક સત્સંગ અને સામાજિક સેવાઓ દ્વારા દેશ-વિદેશના લાખો અનુયાયીઓના જીવનમાં આમૂલ પરિવર્તન લાવવામાં સ્વામી હરિપ્રસાદ સેતુરૂપ બન્યા હતા. જેઓ અક્ષરધામ નિવાસી થતા સમગ્ર રાજ્યભરના અને દેશ-વિદેશના અનુયાયીઓ સહિત રાજકીય અગ્રણીઓ હરિધામ સોખડાની મુલાકાત લઇ સ્વામીજીને શ્રદ્ધાસુમન કરી રહ્યા છે તેવામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અગ્રણીઓએ પણ હરિધામ સોખડાની મુલાકાત લઇ પ.પૂ. સ્વામી હરિપ્રસાદને શ્રદ્ધાસુમન અર્પણ કરી, શ્રદ્ધાંજલિ વ્યકત કરી હતી.
“દાસ ના દાસ” ધર્મના માર્ગનું સૂચન કરનાર હરિધામ સોખડાના પરમ પૂજ્ય સંત સ્વામી હરિપ્રસાદ ૮૮ વષૅની વયે અક્ષરધામની અનંત યાત્રાએ ગયા છે ત્યારે તેઓના અંતિમ દર્શન માટે લાખો અનુયાયીઓ હરિધામ સોખડા ખાતે મુલાકાત લઈ રહ્યા છે અને સમગ્ર દેશના રાજકીય અગ્રણીઓ પણ શોક સંદેશો પાઠવી શ્રદ્ધા સુમન અર્પણ કરી રહ્યા છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અમીત ચાવડા, રાજ્ય સભાના સભ્ય શક્તિસિંહ ગોહિલ, ભરતસિંહ સોલંકી, ડભોઇના માજી ધારાસભ્ય અને કોંગ્રેસના આગેવાન સિદ્ધાર્થભાઇ પટેલ સહિતના આગેવાનોએ પણ હરિધામ સોખડાની મુલાકાત લઇ હરિપ્રસાદ સ્વામીજીને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા આ પ્રસંગે વડોદરા જિલ્લાના કોંગ્રેસના કાર્યકરો અને ડભોઇના હરિભક્તો પણ હાજર રહ્યા હતા. કોંગ્રેસના અગ્રણીઓએ જણાવ્યું હતું કે જનકલ્યાણના કામો, સામાજિક કાર્યો અને લોકોમાં સંસ્કારોનું સિંચન કરી યુવાનને કુટેવોથી દૂર રાખી, સંસ્કૃતિની રક્ષા કરવા માટે પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીને હરહંમેશ યાદ કરવામાં આવશે. તમામ અગ્રણીઓએ જણાવ્યું હતું કે, પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના અક્ષરધામ નિવાસી થવાથી તમામ આગેવાનો ઘણા વ્યથિત છે અને ઘણું દુઃખ થયું છે કારણ કે તમામ અગ્રણીઓને સ્વામીજીના આશીર્વાદ અને પ્રેમ હર હંમેશ મળતા રહ્યા હતા.
રિપોર્ટર : રાજેશ વાળંદ, ડભોઇ