સૌના સાથ, સૌના વિકાસ થકી જનભાગીદારી દ્વારા લોકોને જોડીને સુશાસનના પાંચ વર્ષના નિમિત્તે કાર્યક્રમો કરાશે : ગૃહ રાજય મંત્રી પ્રદિપસિંહ જાડેજા

હિન્દ ન્યુઝ, નડિયાદ 

રાજયના મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીના દીર્ધદ્રષ્ટિપૂર્ણ નેતૃત્વ હેઠળ ગુજરાતમાં અનેક જન ઉપયોગી યોજનાઓનો આરંભ થયો અને રાજયના નાગરિકોને આ યોજનાઓનો લાભ થયો છે. રાજયને મુખ્ય મંત્રી રૂપાણીનું નેતૃત્વ મળ્યે આગામી ઓગસ્ટ માસમાં પાંચ વર્ષ પૂર્ણ થશે તેના નિમિત્તે “પાંચ વર્ષ આપણી સરકારના- સૌના સાથ, સૌના વિકાસના અંતર્ગત રાજયભરમાં વિવિધ કાર્યક્રમો થકી રાજયની અવિરત વિકાસ યાત્રાને વધુ વેગવંતી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સૌના સાથ, સૌના વિકાસ થકી જનભાગીદારી દ્વારા લોકોને જોડીને સુશાસનના પાંચ વર્ષ નિમિત્તે વિવિધ લોકોપયોગી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે. આ કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વ હેઠળ સુશાસનના પાંચ વર્ષની જન ભાગીદારીથી જન ઉપયોગી કાર્યો- સેવાઓને વધુ સઘન બનાવાશે અને વિવિધ ફ્લેગ શીપ યોજનાઓનો વ્યાપ પણ વધારાશે. એટલુ જ નહીં, વર્તમાન કોરોનાના સંક્રમણની પરિસ્થિતિને ધ્યાને રાખીને તમામ કોવિડ પ્રોટોકોલ અને નીતિ નિયમોનું ચુસ્ત પાલન કરીને રાજયભરમાં આ વિવિધ કાર્યક્રમોનુ આયોજન કરાશે. ખેડા જિલ્‍લામાં પણ આ અંગેનું આયોજન કરવામાં આવેલ છે.

“પાંચ વર્ષ આપણી સરકારના- સૌના સાથ, સૌના વિકાસના અંતર્ગત યોજાનાર આ કાર્યક્રમોની વિગતો આપતા મંત્રી જાડેજાએ ઉમેર્યુ કે, આગામી તા.૧લી ઓગષ્ટ રવિવારના રોજ ‘‘જ્ઞાનશક્તિ દિવસ’’ અંતર્ગત શિક્ષણને લગતા કાર્યક્રમોનું આયોજન કરી રાજયના શિક્ષણ ક્ષેત્રને વધુ શ્રેષ્ઠ બનાવવાની દિશામાં પ્રયત્નો કરાશે. તે જ રીતે બીજી ઓગષ્ટ – સોમવારે સેવા સેતુ કાર્યક્રમોના આયોજન થકી “સંવેદના દિવસ” અંતર્ગત વિવિધ જનહિતકારી યોજનાઓના દસ્તાવેજો નાગરિકોને સરળતાથી મળી રહે તે પ્રકારના કાર્યક્રમો કરાશે. તા.૪થી ઓગષ્ટે રાજ્યની મહિલાઓના સન્માન તથા ઉત્કર્ષના હેતુસર મહિલાઓ સાથે સંકળાયેલા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી ‘‘નારી ગૌરવ દિવસ’’ નિમિત્તે મહિલાલક્ષી કાર્યક્રમો કરાશે.  તા.૫ મી ઓગસ્ટે રાજય ભરમાં કિસાન સૂર્યોદય યોજના – સાત પગલા ખેડૂત કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજીને “કિસાન સન્માન દિવસ” ના કાર્યક્રમો કરાશે. રાજ્યના યુવાનોને રોજગારી પૂરી પાડવાના ઉદ્દેશ સાથે રોજગાર મેળાઓ સહિતના વિવિધ કાર્યક્રમો થકી તા.૦૬ ઓગસ્ટે “રોજગાર દિવસ” ના અંતર્ગત રોજગારીની તકો અંગેના કાર્યકમો યોજાશે. તા.૦૭મી ઓગસ્ટે “વિકાસ દિવસ” અંતર્ગત રાજ્યમાં ચાલી રહેલી અવિરત વિકાસની પ્રક્રિયાને વધુ તીવ્ર ગતિથી આગળ લઇ જવાશે. તા.૦૮મી ઓગસ્ટે “શહેરી જન સુખાકારી દિન” અંતર્ગત શહેરી જન સુખાકારીની વ્યવસ્થા વધુ સઘન બનાવાશે. તે જ રીતે તા.૦૯મી ઓગસ્ટે “વિશ્વ આદિવાસી દિવસ” નિમિત્તે રાજ્યના આદિવાસી વિસ્તારોમાં અનેક વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમો કરવામાં આવશે. 
રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિત રાજ્ય મંત્રીમંડળના સભ્યો, બોર્ડ – કોર્પોરેશનના ચેરમેનઓ, સંસદસભ્યઓ, ધારાસભ્યઓ તથા સમાજના પ્રતિષ્ઠિત આગેવાનોને સાથે રાખીને આ કાર્યક્રમો નિશ્ચિત કરવામાં આવ્યા છે. 

રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ

Related posts

Leave a Comment