૪૫ વર્ષથી વધુ વયના તમામ લોકોને કોરોના વિરોધી રસીકરણ અભિયાનમાં ભાગ લેવા જિલ્લા એપેડેમીક મેડીકલ ઓફિસર ડૉ. આર.એસ.કશ્યપની હદયસ્પર્શી અપીલ

હિન્દ ન્યૂઝ, રાજપીપલા

      ૪૫ વર્ષથી વધુ વયના તમામ લોકોને કોરોના વિરોધી રસીકરણ હેઠળ આવરી લેવાની હાથ ધરાયેલી ખાસ ઝૂંબેશના ભાગરૂપે રસીકરણને વધુ વેગવાન બનાવવા માટે જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા વેપારીઓ, દુકાનદારો, શાકભાજીવાળાઓ તેમજ જિલ્લાના પ્રજાજનો રસીકરણનો સરળતાથી લાભ લઇ શકે તે હેતુસર રાજપીપલાની બેંક ઓફ બરોડા, કસ્બાવાડ જમાતખાના શાકમાર્કેટ સહિત જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં કુલ-૨૬૦ જેટલાં કેન્દ્રો ખાતે કોવિડ-૧૯ ના ટેસ્ટ અને કોરોના વિરોધી રસીકરણ અભિયાન હાથ ધરાયું છે. આજે બપોરના ૨:૦૦ વાગ્યા સુધીમાં ૪૫ વર્ષથી વધુની વયનાં ૧૦૬૦ જેટલાં લોકોને કોરોના વિરોધી રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, જિલ્લામાં આજે બપોરના ૨:૦૦ વાગ્યા સુધીમાં RTPCR-૧૮૭ અને એન્ટીજન રેપીડ ટેસ્ટ-૩૩૦ કરાયાં છે.

નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપેડેમીક મેડીકલ ઓફિસર ડૉ. આર.એસ.કશ્યપે જણાવ્યું હતું કે, રાજપીપલા નગરપાલિકા વિસ્તારમાં બેંક ઓફ બરોડા સહિત ૭ જેટલાં વિવિધ વોર્ડમાં આરોગ્યતંત્રની ૭ જેટલી ટીમો કામ કરી રહી છે, જેમાં વેપારીઓ અને દુકાનદારોનો કોવિડ-૧૯ નો ટેસ્ટ સરળતાથી થઇ શકે અને કોરોના સામે રક્ષણ મેળવી શકે તે માટે પૂરતી સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આજે તા. ૩ જી ના રોજ રાજપીપલાના વેપારીઓ અને દુકાનદારોના અંદાજે ૧ હજાર જેટલાં કોવિડ ટેસ્ટ થશે. કોરોના વિરોધી રસીકરણના અભિયાનમાં શહેરીજનોનો પણ સારો એવો પ્રતિસાંદ સાંપડી રહ્યો છે તેની સાથોસાથ રાજપીપલા શહેરી વિસ્તારના વેપારીઓએ પણ સાંજે ૬:૦૦ વાગ્યા પછી દુકાનોબંધ રાખવાનો સ્વયંભુ નિર્ણય લીધો હોવાનું તેમણે ઉમેર્યું હતું. ૪૫ વર્ષથી વધુ વયના તમામ લોકોને કોરોના વિરોધી રસીકરણ અભિયાનમાં સહભાગી થવાં હ્રદયસ્પર્શી અપીલ કરી છે.

     રાજપીપલાના રહીશ અને સ્ટેશન રોડ વિસ્તારમાં કાપડની દુકાન ચલાવનાર વિક્રમસિંહ ગોપાલસિંહ રાજપુરોહિતે કહ્યું હતું કે, મે આજે બેંક ઓફ બરોડા ખાતે કોરોનાનો ટેસ્ટ કરાવ્યો છે. કોરોનાથી સુરક્ષિત રહેવા કોરોનાનો ટેસ્ટ કરાવવો ખૂબ જ આવશ્યક છે. અમારા જેવા દુકાનદારોને કોરોનાનો ટેસ્ટ કરાવવામાં તકલીફ ન પડે તે માટે ખૂબ જ સુંદર પ્રકારની વ્યવસ્થા કરી હોવાથી સરકારનો આ તકે આભાર વ્યક્ત કરું છું.

   તેવી જ રીતે, રાજપીપલામાં શાકભાજીના વ્યવસાય સાથે સંકળાયેલ સંજ્યભાઇ માછી એ જણાવ્યું હતું કે, રાજપીપલાની બેંક ઓફ બરોડા ખાતે જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા કોવિડ-૧૯ નો ટેસ્ટ કરવામાં આવે છે. કોરોના સંક્રમણથી સુરક્ષિત રહેવા વેક્સીન ખૂબ જ જરૂરી છે. આજે મે પણ કોરોનાનો ટેસ્ટ કરાવ્યો છે, મારી જિલ્લાના દુકાનદારો અને વેપારીઓને વધુમાં વધુ કોવિડ-૧૯ નો ટેસ્ટ અને કોરોના વેક્સીન રસીનો અવશ્ય લાભ લેવા જણાવ્યું હતું.

    રાજપીપલામાં શિતલ ઝેરોક્ષના દુકાનદાર બંસીભાઇ નાગજીભાઇ રામીએ કહ્યું કે, કોવિડ-૧૯ ના કેસમાં વધારો થઇ રહ્યો છે ત્યારે કોરોનાનો ટેસ્ટ કરવો ખૂબ જ જરૂરી છે. આજે મે કોવિડ-૧૯ નો ટેસ્ટ કરાવ્યો છે, મારો કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. કોરોનાના ટેસ્ટથી આપણે પણ સુરક્ષિત રહી શકીએ અને ગ્રાહકોને પણ સુરક્ષિત રાખી શકીએ.

રિપોર્ટર : અંકુર ઋષિ, રાજપીપલા

Related posts

Leave a Comment