હિન્દ ન્યૂઝ, નડિયાદ
કોરોનાના સંક્રમણનો રાફડો ફાટ્યો છે ત્યારે ‘સાવચેતી એજ સલામતીના’ મંત્ર સાથે રાજ્ય સરકાર દ્રારા રસીકરણની ઝુંબેશને વેગવાન બનાવી છે. ત્યારે રાજ્ય સરકાર દ્રારા કોરોના સામે બાથ ભીડવા માટે ૪૫ થી ૬૦ વર્ષની વયના ગંભીર બીમારી ધરાવતા અને ૬૦ વર્ષની વધુ વય ધરાવતા લોકોને રસી આપવાની ઝુંબેશ પુરજોશમાં ચાલી રહી છે. ખેડા જિલ્લામાં ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમા આરોગ્ય કેન્દ્ર, ખાનગી હોસ્પિટલમાં રસીકરણની ઝુંબેશ વેગવાન બનાવવામાં આવી છે. વડતાલ ધામના શાસ્ત્રી સંત વલ્લભદાસ સ્વામીજીએ જણાવ્યું હતું કે, હું સૌ ગુજરાતવાસીઓને કરબધ્ધ પ્રાર્થના કરું છું કે, કોરોના હજુ ગયો નથી. પરંતુ હાલના તબકકામાં આનંદ અને ગૌરવની વાત એ છે કે, આપણી કેન્દ્ર અને રાજય સરકારે કોરોનાની રસીની નિઃશુલ્ક વ્યવસ્થા કરી છે. આ રસીના માધ્યમથી આપણે આપણા અંગત સ્વાસ્થ્યની રક્ષા કરી શકીએ છીએ. તો સૌને રસી લેવા માટે હું ભલામણ કરું છે. અમારા ઘણા સંતોએ રસી લીધી છે. કોઇને કોઇ પણ પ્રકારની આડ અસર થઇ નથી. લોક માણસમાં રસી પ્રત્યે જો કોઇ પણ પ્રકારની ભ્રમણા હોય તો તેને દુર કરી રસી અવશ્ય લો. રસી લેતી વખતે ડોકટરને જાણ પણ કરો. આપણા સંતો, મહંતો, દેશના અને રાજયના નેતાઓ, ડોકટરો અને પોલીસ કર્મીઓએ પણ રસી લીધી છે. તમામ સ્વસ્થ છે તો આવો આપણે પણ રસી લઇ આપણા અંગત સ્વાસ્થ્યને સુરક્ષીત કરીએ. રાજય અને દેશના સ્વાસ્થ્યને સુરક્ષીત કરવામાં આપણું યોગદાન આપીએ.
રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ