સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી અંતર્ગત નડીઆદ નગરપાલિકા માટે કોંગ્રેસ દ્વારા ચૂંટણી ઢઢેરો

હિન્દ ન્યૂઝ, નડિયાદ

નડિયાદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી આડે પાંચ દિવસ બાકી છે, ત્યાં કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો બહાર પાડી રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે. આ ઢંઢેરામાં કોંગ્રેસે શહેરની સળગતી સમસ્યાને ઉકેલવાનો દાવો કર્યો છે. ખાસ કરીને આરોગ્ય, શિક્ષણ, સ્વચ્છતા અને અન્ય વિભાગને આવરી લેવામાં આવ્યાં છે. આ ઉપરાંત કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં પણ પારદર્શકતા લાવવાનો દાવો કરવામાં આવ્યો છે.

નડિયાદમાં રસ્તા, ગટર, પાણી, આરોગ્ય સહિતના પ્રશ્ને અસંતોષ જોવા મળે છે. આ અસંતોષને ચૂંટણીમાં મતમાં ફેરવવા કોંગ્રેસ દ્વારા મંગળવારના રોજ ઢંઢેરો બહાર પાડી ભાજપને રીતસર દોડતું કરી દીધું છે. આ ચૂંટણીમાં હેલ્થના મામલે કાયમી ધોરણે હેલ્થ ઓફિસરની ભરતી કરવા, ક્લારિનેકશન પ્લાન્ટ તથા ફિલ્ટ્રેશન પ્લાન્ટ ચાલુ કરવા, શિક્ષણ મામલે મ્યુનિસિપલ સંચાલિત તમામ શાળામાં અંગ્રેજી તથા કોમ્પ્યુટર શિક્ષણ આપવા, નવી અંગ્રેજી માધ્યમિક શાળા શરૂ કરવાનું વચન આપ્યું છે. તેવી જ રીતે સ્વચ્છતા અભિયાન હેઠળ નવા સફાઇ કામદારોને કાયમી નિમણૂંક આપવા, પાલિકામાં કોન્ટ્રાક્ટ સીસ્ટમ દુર કરી કાયમી ભરતી કરવા જેવા મુદ્દા પણ ઉઠાવ્યાં છે. જનતાને લાગે વળગે છે ત્યાં સુધી ઉભરાતી ગટર, કોરોનાના કારણે ધંધા રોજગારમાં નુકશાની ભોગવનારા મિલકત ધારકોને વેરામાં 30થી 40 ટકા રાહત આપવા સુધીનું વચન આપી રાજકીયમાં ખળભળાટ મચાવી દીધો છે.

રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ

Related posts

Leave a Comment