હિન્દ ન્યૂઝ, દિયોદર
દિયોદરના ચિભડા ગ્રામ પંચાયતમાં માહિતી અધિકાર અધિનિયમ હેઠળ માહિતી માંગનાર અરજદાર પર હિંચકારો હુમલો કરાતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. માહિતી અધિકાર અેક્ટ હેઠળ માહિતી માગનાર લોકો પણ હવે સુરક્ષિત રહ્યાં નથી ત્યારે આ બાબતે હવે પોલીસ દ્વારા શું પગલાં ભરવામાં આવે છે તે જોવાનું રહ્યું.
દિયોદર તાલુકાના ચિભડા ગામે પંચાયતના કામો બાબતે આર.ટી.આઇ. કરનાર વ્યક્તિ પર ગામના મુખી અને તેમના મળતીયાઓ દ્વારા હુમલો કર્યાની ઘટના સામે આવી છે. ચિભડા ગ્રામ પંચાયત દ્રારા શૌચાલયો સહિતના અનેક કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાથી બાબતે ગામના જાગૃત નાગરિકે આરટીઆઇ એકટ ૨૦૦૫ ના અધિકાર હેઠળ માહિતી માટે અરજી કરી હતી. જેને લઇ ગામના સ્થાનિક નાગરિકો કે જે પંચાયતના મળતીયા અને સરપંચ વચ્ચે અણબનાવ ચાલતો હતો. આ બાબતને લઈ ગઇકાલે રાત્રે ગામના મુખી સહિત કુલ ૬ લોકો સ્થાનિક આરટીઆઇ અરજદાર ઇસમના ઘરે પહોંચ્યા હતા. જ્યાં સ્થાનિક અરજદારને ગાળાગાળી કરી ગડદાપાટુનો માર માર્યો હોવાનુ સામે આવ્યુ છે. આ સાથે જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો ફરીયાદમાં ઉલ્લેખ કર્યો છે. ઘટનાને લઇ દિયોદર પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ચીભડા ગામના સરપંચ સહિતના લોકોએ સ્થાનિક નાગરિકને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. ગામના ખેમાભાઇ નાગજીભાઇ પટેલ ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. અગાઉ તેમને ગ્રામ પંચાયતના કામોમાં ભ્રષ્ટાચાર થયો છે કે કેમ તે બાબતે આર.ટી.આઇ કરી હતી. જોકે ગઇકાલે તેઓ પોતાના પરિવાર સાથ રાત્રે ઘરે હતા તે દરમ્યાન સરપંચ પુથ્વીરાજ વાઘેલા, હેમજી વાઘેલા, મકનસિંહ વાઘેલા, પ્રવિણસિંહ વાઘેલા તેમના ઘરે આવી આર.ટી.આઇ. બાબતે ગાળાગાળી કરી હતી.
આ સાથે ગડદાપાટુનો માર પણ માર્યો ની ફરિયાદ દિયોદર મથકે નોંધાવી છે. મળતી માહિતી મુજબ ફરિયાદી સાથે ગામના મુખી સહિતના લોકોનો ઝઘડો જોઇ ગામના અન્ય બે ઇસમો દોડી આવી ફરીયાદીના ભાઇને ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા. જેને લઇ ફરીયાદીએ વચ્ચે પડી છોડાવતાં આરોપીઓએ જતાં-જતાં કહેલ કે, આજે તો બચી ગયા છો પણ લાગ આવેથી તમોને જાનથી મારી નાંખીશુ. જોકે ઘટનામાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત બન્યાં હોઇ તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર મામલે ફરીયાદી યુવકે ગામના મુખી સહિત ૬ લોકોના નામજોગ ફરીયાદ નોંધાવી છે. પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠા જિલ્લા સહિત રાજ્યભરમાં વિવિધ વિભાગમાં થઇ રહેલ ભ્રષ્ટાચાર અને ગેરરીતિ બાબતે સામાન્ય લોકો પણ માહિતી માગી શકે તે મુજબનો કાયદો એટલે કે માહિતી અધિકાર અેક્ટના આશરે લોકો માહિતી માગતાં હોય છે. પરંતુ બનાસકાંઠા જિલ્લામાં માહિતી માંગનાર લોકો ઉપર પણ હુમલાઓની ઘટનાઓ સામે આવી રહી છે.
રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર