હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ,
તા.૨૯, ઊના તાલુકાના એક ગામમાંથી કોઈ જાગૃત નાગરિકે ૧૮૧ મહિલા હેલ્પલાઈનમાં ફોન કરી મદદ માંગતા જણાવ્યુ હતું કે કોઈ મહિલા આપઘાત કરવાનો પ્રયાસ કરી રહી છે ત્યારે વેરાવળ ૧૮૧ અભયમ્ ટીમના કાઉન્સેલર સંતોકબેન માવદીયા, કોન્સ્ટેબલ કાજલબેન રાઠોડ સહિત તુરંત ઘટના સ્થળે દોડી ગયા હતા અને સ્થળ પર પહોંચી મહિલાને સમજદારી દાખવીને આપઘાત કરવા જતી મહિલાનો બચાવ કરી આશ્વાસન આપ્યું હતું.
પીડીત મહિલાએ જણાવ્યું હતું કે, ચાર મહિના પહેલા અન્ય જ્ઞાતિના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. છેલ્લાં સાત આઠ દિવસથી મહિલા પર માનસિક શારિરીક ત્રાસ મેણા ટોણા મારી મારકૂટ કરતા હતા. તેથી ૧૮૧ ટીમ મહિલાના પતિ ના ઘરે પહોંચી પરંતુ સાસરી પક્ષમાં કોઈ હાજર ન હોવાથી અને મહિલાને તેમના પિયર પક્ષ પણ અપનાવવા ન માંગતા હોય તેથી મહિલાને રહેવા માટે કોઈ આશ્રય ન હોવાથી તેઓને વેરાવળ વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય અપાવી ૧૮૧ની ટીમે મહિલાનો જીવ બચાવી પ્રશંસનીય ભૂમિકા નિભાવી હતી.
રિપોર્ટર : તુલસી ચાવડા, ગીર સોમનાથ