હિન્દ ન્યૂઝ, છોટાઉદેપુર
તા. ૦૮/૧૦/૨૦૨૦, છોટાઉદેપુર જિલ્લામાં ટેકાના ભાવે મકાઇ, ડાંગર અને બાજરીની ખરીદી કરવામાં આવશે જેને અનુલક્ષીને જિલ્લા કલેકટર સુજલ મયાત્રાની અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓને માર્ગદર્શન આપતા જિલ્લા કલેકટર સુજલ મયાત્રાએ સરકાર દ્વારા ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહે એ માટે ટેકાના ભાવે મકાઇ, ડાંગર અને બાજરીની ખરીદી કરવામાં આવનાર હોવાનું જણાવી તેમણે છોટાઉદેપુરના વધુમાં વધુ ખેડૂતો પોતાની જણસ ટેકાના ભાવે વેચે એ પ્રકારનું આયોજન કરવા સૂચના આપી હતી. તેમણે ખરીદવામાં આવનાર જણસનો સંગ્રહ કરવા માટે પુરતા પ્રમાણમાં ગોડાઉનોની ઉપલબ્ધ કરાવવા અંગે પણ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત કોરોના વાઇરસના સંક્રમણને ધ્યાનમાં લઇને વેચાણ માટે આવતા ખેડૂતો અને ખરીદી કરવા આવતા વેપારીઓ કોવિડ-૧૯ની માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવે એ સુનિશ્ચિત કરવા પણ તેમણે સુચનાઓ આપી હતી.
જિલ્લા પુરવઠા અધિકારી મિતેશભાઇ વસાવાએ સરકાર દ્વારા નિયત કરવામાં આવેલા ટેકાના ભાવો અંગે જાણકારી આપતા જણાવ્યું હતું કે, સરકારે ડાંગર (કોમન) રૂા. ૧૮૬૮ પ્રતિ ક્વિન્ટલ , ડાંગર (એ-ગ્રેડ) રૂા. ૧૮૮૮ પ્રતિ ક્વિન્ટલ, બાજરી રૂા. ૨૧૫૦ પ્રતિ ક્વિન્ટલ અને મકાઇ રૂા. ૧૮૫૦ પ્રતિ ક્વિન્ટલના ભાવે ખરીદી કરવામાં આવશે એમ જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે જિલ્લાના છોટાઉદેપુર, કવાંટ, સંખેડા અને પાવીજેતપુર તાલુકા ખાતે ડાંગર અને છોટાઉદેપુર, કવાંટ, સંખેડા, પાવીજેતપુર અને નસવાડી ખાતે મકાઇની ખરીદી કરવામાં આવશે એમ જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, જે ખેડૂતો ટેકાના ભાવે વેચાણ કરવા માંગતા હોય તેમણે નોંધણીની પ્રક્રિયા એનઆઇસીના આઇડીએસપી પોર્ટલ (http//idps.gujarat.gov.in) થશે. તેમજ નોંધણી પ્રક્રિયા દરેક ખરીદ કેન્દર્ના એપીએમસી ખાતે તથા ગ્રામ્ય કક્ષાએ વીસીઇ મારફત જ કરવાની રહેશે. ખરીદ કેન્દ્ર ખાતે ખેડૂતોના રજીસ્ટરેશન અંગેના દસ્તાવેજો જેવા કે ૭/૧૨, ૮-અ બેંક પાસબુકની નકલ(IFSC CODE સાથે) કેન્સલ ચેક, વાવેતરનો તલાટીનો દાખલો, આધારકાર્ડની નકલ સાથે નિયત થયેલા કેન્દ્રો ખાતે તથા ગ્રામ્ય કક્ષાએ વીસીઇનો સંપર્ક કરવાનો રહેશે. નોંધણીની છેલ્લી તારીખ ૨૯/૧૦/૨૦૨૦ હોઇ ખેડૂતોએ તા. ૨૯/૧૦/૨૦૨૦ સુધીમાં ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે.
રિપોર્ટર : નઈમ હુઈ, છોટાઉદેપુર