હિન્દ ન્યૂઝ, દાહોદ,
તા. ૭ : દાહોદ જિલ્લામાં ગત અઠવાડિયા દરમિયાન કોરોના સંક્રમણની સ્થિતિની સમીક્ષા કરતા કલેક્ટર વિજય ખરાડીએ જણાવ્યું કે, અત્યાર સુધીમાં કુલ ૧,૦૮,૭૨૫ જેટલા કોવીડ ટેસ્ટ માટે નમૂના લેવામાં આવ્યા છે. જેમાંથી ૧,૦૬,૮૦૫ ટેસ્ટનું પરિણામ નેગેટીવ આવ્યું છે. એટલે કે ૯૮ ટકા લોકોના ટેસ્ટ નેગેટિવ આવ્યા છે. જે જિલ્લા માટે ખૂબ સકારાત્મક બાબત છે.
તેમણે જણાવ્યું કે, અત્યાર સુધીમાં કુલ ૧૬૩૫ લોકોના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. જેમાંથી ૧૪૯૩ લોકો સ્વસ્થ થઇને દવાખાનેથી રજા મેળવી ચૂકયા છે. જિલ્લામાં હાલના તબક્કે એક્ટીવ કેસોની સંખ્યા ૭૧ છે. ગઇ કાલે પાંચ કેસો પોઝિટિવ આવતા કુલ પોઝિટિવિનો રેસીયો ૦.૬૬ ટકા જેટલો થાય છે.
તેમણે જણાવ્યું કે, દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓનો રીકવરી રેટ જોઇએ તો ૯૧.૩૧ ટકા છે. ઉપરાંત એક્ટીવ કેસોની સંખ્યાનું પ્રમાણ જોઇએ તો ૪.૩૪ ટકા છે. જે દેશ અને રાજયના એક્ટીવ કેસોના પ્રમાણ કરતા ખાસ્સું ઓછું છે. કંમ્પાઉન્ડીંગ ડેઇલી ગ્રોથ રેટ ૦.૪૦ ટકા છે. ઉપરાંત જિલ્લામાં કોરોના સંક્રમણ બમણું થવાનું પ્રમાણ ૫૫ દિવસનું થયું છે.
ડોર ટુ ડોર સર્વે બાબતે જણાવતા તેમણે કહ્યું કે, ડોર ટુ ડોર સર્વે માટે ૧૪૯૬ જેટલી ટીમો સઘન રીતે જિલ્લામાં શહેરોથી લઇને ગામેગામ કામગીરી કરી રહી છે. આ ટીમ દ્વારા દરરોજના ૪૨ હજારથી પણ વધુ ઘરોનો સર્વે કરવામાં આવે છે. જિલ્લામાં ધન્વતંરિ રથની કામગીરી પણ ખૂબ નોંધપાત્ર છે. જિલ્લામાં ૫૫ ધન્વતંરિ રથ છે. જેમાં પ્રત્યકે રથ દ્વારા સરેરાશ ૧૫૨ જેટલા લોકોની આરોગ્ય તપાસ કરવામાં આવે છે. એટલે કે રોજેરોજ કુલ ૮૩૬૦ લોકોની આરોગ્ય તપાસ કરવામાં આવે છે. આ ઉપરાંત આપણી પાસે એન-૯૫ માસ્ક, પીપીઇ કીટ, હેન્ડ સેનેટાઇઝર, દવા વગેરેનો પૂરતો જથ્થો આપણી પાસે ઉપલબ્ધ છે.
તેમણે ઉમેર્યું કે, છેલ્લા બે મહિનામાં ૨૦૦ થી પણ વધુ લોકોનું કોરોનાના કેસ દીઠ કોન્ટ્રાક્ટ ટ્રેસિંગ કરવામાં આવ્યું છે. હાલના તબક્કે જિલ્લામાં દરેક કોરોના કેસ દીઠ ૨૨૫ જેટલા લોકોનું કોન્ટ્રાક્ટ ટ્રેસીંગ કરવામાં આવે છે. આ ઉપરાંત અક્ટિવ કન્ટેઇનમેન્ટ ઝોન આજની સ્થિતિએ ૧૦૭ છે. જિલ્લાને કોરોના સંક્રમણને કાબૂમાં રાખવામાં નોંધપાત્ર સફળતા મળી છે.
રિપોર્ટર : વિજય બચાણી, દાહોદ