હિન્દ ન્યુઝ , રાજકોટ
રાજકોટના સિવિલ હોસ્પિટલના ડો.કવિતા દૂધરેજિયા અને ડો.મનીષા પરમારે જણાવ્યું કે, ગાયનેક વિભાગમાં દર્દી દાખલ થયા હતા. તેમને સિઝેરીયન ઑપરેશન કરવાનું હતું. આમ તો આ કેસ સામાન્ય જેવો જ હતો એટલે તબીબોની ટીમે એનેસ્થેસિયા શરૂ કર્યું. પેટમાં કાપો મૂકી ગર્ભાશય સુધી પહોંચીએ તે પહેલા જ પીળુ પ્રવાહી બહાર નીકળું અને તેમાંથી એક માનવ ખોપડી દેખાઈ. ખોપડી બહાર નીકળતા સૌ કોઇ અચંબિત થઈ ઉઠ્યા. કારણ કે તેમણે કારકિર્દીમાં આવું પ્રથમવાર જોયું હતું. તુરંત જ બધું સાફ કરીને ખોપડી અને હાડકાં બહાર કાઢ્યા. પરંતુ લિવર પાસેથી તેમજ આંતરડાઓ પાસે બીજા હાડકાં મળી આવ્યા. તે સમયે માલુમ પડ્યું કે એક નહીં પણ બે મૃત બાળકોના અવશેષો છે. આ બધા હાડકાઓ તેમજ પ્રવાહી કે જે ફેફસા અને મગજના ઓગળવાથી બન્યું હતું. તે સાફ કરવામાં આવ્યું. ત્યારબાદ ગર્ભાશયમાં તપાસ કરી તો અઢી કિલોથી વધુ વજનનું તંદુરસ્ત બાળક પણ હતું. એક એવી ધારણા છે કે ગર્ભ ધારણ થયું ત્યારે બાળક કોઇ રીતે અંડાશય અથવા તો નળીમાંથી પેટમાં પહોંચ્યું હોય. અને ત્યાં લોહી મળતા થોડો સમય પોષણ મળ્યું હોય. પણ પછી દબાઈ જતા મૃત્યુ થયું હોય. તબીબોનું માનીએ તો વિશ્વમાં આવા જૂજ કિસ્સાઓ નોંધાયા છે. મહિલાના પેટમાં પડેલા હાડકાઓ ગણતા તેમજ અધ્યયન કરતા સૌથી પહેલા જે બાળક દેખાયું તે ૨૬ સપ્તાહ જ્યારે બીજુ બાળક ૧૬ અઠવાડિયાનું હોય તેમ લાગે છે. આ પ્રકારની ઘટનાઓ તબીબી વિજ્ઞાનમાં ૪ થી ૫ જ નોંધાઈ હોવાનું જાણવા મળ્યું છે. આ પ્રકારના કિસ્સા માટે અનેક કારણો જવાબદાર હોઈ શકે છે.
રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ