જેતપુર,
નવાગઢ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી કુસુમબેન સખરેલીયાના દિયર મિન્ટો ઉર્ફ મનીષ સખરેલીયાએ ગત ૯ સપ્ટેમ્બરના રોજ જેતપુર શહેરના કણકિયા પ્લોટ વિસ્તારમાં આવેલ સંજીવની મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં કોરોના રિપોર્ટ અંગે તબીબ તેમજ તબીબી સ્ટાફ બબાલ કરી હતી તેમજ ત્રણ મહિના અગાઉ પણ આ જ હોસ્પિટલના વોર્ડબોયને ફટકાર્યો હતો. ત્રણ મહિનામાં બીજી વખત સંજીવની હોસ્પિટલના તબીબ તેમજ તબીબી સ્ટાફ ગેરવર્તુણક કરતા ગત મધરાતથી તમામ ખાનગી હોસ્પિટલો ૧૧ સપ્ટેમ્બરથી ત્રણ દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો તેમજ હડતાલને જનરલ પ્રેક્ટિશનર અને કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોશિએશન દ્વારા પણ મોડી રાત્રે હડતાલને ટેકો જાહેર કરવામાં આવ્યો હતો. જેના કારણે ૧૧ સપ્ટેમ્બરની મધરાત્રીથી જેતપુરની ખાનગી હોસ્પિટલ, મેડિકલ સ્ટોર વગેરે સજ્જડ બંધ રહ્યા હતા આજે બપોરે સાંસદ રમેશભાઈ ધડુક, કેબિનેટમંત્રી જયેશભાઈ રાદડિયા, એ.એસ.પી. સાગર બાગમાર, પી.આઇ. કરમુર સાહેબ વગેરે દ્વારા આરોપી એવા મિન્ટો ઉર્ફ મનીષ સખરેલીયા વિરુધ્ધ કડક કાર્યવાહી કરવાની બાંહેધરી આપતાં ઇન્ડિયન મેડિકલ એસોશિએશન – જેતપુર, જનરલ પ્રેક્ટિશનર અને કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોશિએશન – જેતપુર દ્વારા હડતાલ સમેટી લેવામાં આવી હતી.
હડતાલ સમેટાયાના ત્રણ જ કલાકમાં જેતપુર નવાગઢ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા બંધને સમર્થન આપનાર હોસ્પિટલને અનધિકૃત બાંધકામ દૂર કરવાની નોટિસ આપતાં રાજકારણ ગરમાયુ છે. નગરપાલિકા પ્રમુખના ઈશારે હડતાળને સમર્થન આપનાર હોસ્પિટલને નોટિસ અપાયાનો આક્ષેપ. જેતપુર-નવાગઢ નગરપાલિકાના સદસ્યા શારદાબેન વેગડાએ નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રમુખના ઈશારે કામ કરતા હોવાનું જણાવ્યું હતું. શારદાબેન વેગડાના જણાવ્યા અનુસાર તેઓએ ત્રણ મહિના પહેલા જ જેતપુરના સામાકાંઠા સ્થિત નગરપાલિકા પ્રમુખના સાડીના કારખાનામાં પાણીના ગેરકાયદેસર કનેકશન તેમજ સંડાશ-બાથરૂમના ગેરકાયદેસર બાંધકામ અંગે અરજી કરી હતી પરંતુ ચીફ ઓફિસર દ્વારા હજુ સુધી કોઈ કાર્યવાહી કરી નથી અને પ્રમુખના ઈશારે ધોરાજી રોડ પર સ્થિત સીતાપરા હોસ્પિટલને અનધિકૃત બાંધકામ બાબતે નોટિસ આપવામાં આવી છે.
અહેવાલ : અમૃત સિંગલ, જેતપુર