હિન્દ ન્યુઝ, સાપુતારા
ડાંગ જિલ્લાની સમૃદ્ધ આદિવાસી લોકસંસ્કૃતિ અને કલા-પરંપરાને ઉજાગર કરતા સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ–૨૦૨૬માં નવરસ ગ્રુપના આદિવાસી કલાકારોએ લોકગીતો, પૌરાણિક ગીતો, ગરબા અને નૃત્યની મનમોહક રજૂઆત કરી ઉપસ્થિત પ્રવાસીઓ અને પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
તા. ૨૩ના રોજ તેજસ્વિની સંસ્કૃતિ ધામ, વાસૂર્ણા ખાતે બ્રહ્મવાદિની પૂ. ડો. હેતલદીદીના સાનિધ્યમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ડો. જય વશીના માર્ગદર્શન હેઠળ નવરસ ગ્રુપના આદિવાસી બાળકો અને યુવા કલાકારોએ વિવિધ લોકગીતો, પૌરાણિક ગીતો તથા ગરબાની સુંદર રજૂઆત કરી હતી. કલાકારોની જીવંત અને કલાત્મક રજૂઆતને ઉપસ્થિતોએ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધી હતી.
પૂ. ડો. હેતલદીદીના માર્ગદર્શન અને પ્રયાસોથી નવરસ ગ્રુપના આદિવાસી બાળકો અને યુવાનોને વિવિધ સ્થળોએ પોતાની પ્રતિભા રજૂ કરવાની તક મળી રહી છે. તેજસ્વિની સંસ્કૃતિ ધામનો મુખ્ય ઉદ્દેશ છેવાડાના ગામોના આદિવાસી યુવાનોમાં રહેલી પ્રતિભા અને કૌશલ્યને યોગ્ય મંચ પૂરો પાડવાનો છે. સંસ્થા દ્વારા યુવાનોના વ્યક્તિત્વ વિકાસ અને ચારિત્ર્ય નિર્માણ માટે પણ નોંધપાત્ર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આ જ શ્રેણીમાં તા. ૨૩ બાદ તા.૨૪ ના રોજ પણ સાપુતારાના મોન્સૂન ફેસ્ટિવલ–૨૦૨૬માં નવરસ ગ્રુપના કલાકારોએ ફરી એકવાર પોતાની આગવી કલાનો પરિચય કરાવ્યો હતો.
દરમિયાન લોકસંસ્કૃતિ, પૌરાણિક કથાઓ અને પરંપરાગત નૃત્યની મનમોહક રજૂઆતથી સાપુતારાના માહોલમાં આદિવાસી લોકકલાના રંગો છવાઈ ગયા હતા.
કલાકારોની રજૂઆતથી પ્રભાવિત થયેલા પ્રેક્ષકોનો ઉત્સાહ અને કાર્યક્રમને મળેલો પ્રતિસાદ નોંધપાત્ર રહ્યો હતો. પ્રવાસન વિભાગને પણ નવરસ ગ્રુપની રજૂઆત પસંદ પડતા કલાકારોને ફરી એકવાર કાર્યક્રમ રજૂ કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ આમંત્રણ ડાંગની આદિવાસી લોકકલા અને કલાકારોની પ્રતિભાને મળેલા પ્રોત્સાહન તરીકે જોવામાં આવી રહ્યું છે.
આ પ્રસંગે પૂ. ડો. હેતલદીદીએ જણાવ્યું હતું કે આદિવાસી બાળકો અને યુવાનોમાં રહેલી કલા-પ્રતિભાને યોગ્ય મંચ મળે તે અત્યંત જરૂરી છે. આવા કાર્યક્રમો કલાકારોમાં આત્મવિશ્વાસ વધારવાની સાથે તેમની સર્જનાત્મકતાને પણ નવી ઉડાન આપે છે.
નવરસ ગ્રુપના આદિવાસી કલાકારોની આ સફળ રજૂઆતથી ડાંગની લોકસંસ્કૃતિને વિશાળ મંચ મળ્યો છે. સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ જેવા પ્રવાસન અને સાંસ્કૃતિક મહોત્સવો આદિવાસી યુવાનોની કલા-પ્રતિભાને પ્રોત્સાહન આપી તેમની સાંસ્કૃતિક ઓળખને વધુ મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે.
