હિન્દ ન્યુઝ, ડાંગ
જે એન્ડ આર કોલેજ ઓફ એજ્યુકેશન દાહોદ NSS અને SSIP ના સંયુક્ત ઉપક્રમે વિશ્વ ઉદ્યોગ સાહસિકતા દિવસની ઉજવણી નિમિત્તે “સમસ્યાથી અવસર અને અવસરથી સ્વરોજગાર અને સ્વરોજગારથી આત્મનિર્ભર ભારત” વિષય માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
કોલેજના આચાર્યશ્રી ડોક્ટર નર્મદાબેન પટેલે સૌનું સ્વાગત કર્યું હતું અને એન એસ એસ પ્રોગ્રામ ઓફિસર મૌલિકભાઈ શ્રોત્રિયએ પ્રાસ્તાવિક વક્તવ્ય રજૂ કર્યું હતું.
આ કાર્યક્રમમાં તજજ્ઞ તરીકે દાહોદ જિલ્લા ઉદ્યોગો કેન્દ્રના મદદનીશ કમિશનર વિનોદભાઈ રાઠોડ, મહેન્દ્રભાઈ ભાભોર, મયુરભાઈ રાઠોડ, પીએસ બારીયા એ સરકારની ઉદ્યોગ વિભાગની જુદી જુદી યોજનાઓ તથા સબસીડીઓ વિશે માહિતી આપી હતી.
ડૉ ઈશાક શેખ GEC, દાહોદ એ વ્યવસાય કઈ રીતે શોધવો અને કઈ રીતે તેને વિકસિત કરવો? શું પ્રક્રિયા છે? સમસ્યાઓ માંથી અવસર કઈ રીતે ઓળખવો અને સમસ્યાઓ માંથી પોતાનો નવો આગવો વ્યવસાય ઉભો કરવો એના માટેનું ઉદાહરણ સાથેનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
શ્રી જીગ્નેશભાઈ કલાલ સ્વદેશી જાગરણ મંચના સંયોજકશ્રી એ ભારતની સ્વની યાત્રા તથા ભારતના યુવાનોની હાલની સ્થિતિ અને ભારતને સ્વદેશી અપનાવવાથી શું લાભ થશે તે માટે નું ચિંતન અને મંથન પૂરું પાડ્યું.
સમગ્ર કાર્યક્રમ એજ્યુકેશન સોસાયટીના પ્રમુખશ્રી તથા કોલેજ કેમ્પસના ડાયરેક્ટર ચંદ્રેશભાઇ ભુતાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેઓએ નોંધ્યું કે, જો શેઠ શ્રી ગિરધરલાલે વ્યવસાય છોડી નોકરી પસંદ કરી હોત તો આ નગરને શિક્ષણની આટલી મોટી સંસ્થા ન મળી હોત. કોલેજના આચાર્ય તથા સ્ટાફ મિત્રો અને સૌ તાલિમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
