રેબારી ગામે ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી અંગે પ્રાયોગિક અને માર્ગદર્શન તાલીમ યોજાઈ

હિન્દ ન્યુઝ, દેવગઢ બારિયા 

   દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના રેબારી ગામે સ્થાનિક ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી અંગેની પ્રાયોગિક તાલીમ તથા માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગામના એક અનુભવી પ્રાકૃતિક ખેડૂત દ્વારા ઉપસ્થિત અન્ય ખેડૂતોને જીવામૃત બનાવવાની પ્રાયોગિક તાલીમ અને તેના ઉપયોગ અંગે વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી હતી.

તાલીમ દરમિયાન ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના મુખ્ય પાંચ આયામો જીવામૃત, બીજામૃત, આચ્છાદાન (મલ્ચિંગ), વાફસા અને જૈવ વિવિધતા વિશે ઊંડાણપૂર્વક સમજ આપવામાં આવી હતી. આ ઉપરાંત પ્રાકૃતિક પદ્ધતિથી દેશી બનાવટ દ્વારા તૈયાર કરવામાં આવતી સામગ્રીનો ખેતરમાં કયા પ્રમાણમાં અને કઈ રીતે યોગ્ય ઉપયોગ કરવો તે અંગે પણ સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ પર પ્રકાશ પાડતાં જણાવાયું હતું કે, આ ખેત પદ્ધતિ અપનાવવાથી ખેતીનો ઉત્પાદન ખર્ચ નહિવત થઈ જાય છે અને ખેડૂતોની આવકમાં વધારો થાય છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશકોથી મુક્ત ખેતી દ્વારા જમીનની ગુણવત્તા અને ફળદ્રુપતા સુધરે છે, જેનાથી સમાજને વિષમુક્ત આહાર મળે છે અને પર્યાવરણ તથા માનવ સ્વાસ્થ્ય બંને સુંદર રહે છે.

આ તાલીમ શિબિરમાં રેબારી ગામના મોટી સંખ્યામાં ખેડૂતો ઉત્સાહભેર જોડાયા હતા અને કાર્યક્રમના અંતે તમામ ખેડૂતોએ પોતાના ખેતરોમાં પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરવાનો દ્રઢ નિર્ધાર વ્યક્ત કર્યો હતો.

 

Related posts

Leave a Comment