હિન્દ ન્યુઝ, ભરૂચ
ભરૂચ – રવિવાર- ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા ભરૂચ જિલ્લા જેલ ખાતે હાથ ધરાયેલા વિવિધ આધુનિક બાંધકામ અને વિકાસ પ્રકલ્પોનું આજે (નાણા, પોલીસ હાઉસીંગ, જેલ, સરહદી સુરક્ષા, ગૃહ રક્ષક દળ, ગ્રામ રક્ષક દળ, નાગરીક સંરક્ષણ, નશાબંધી અને આબકારી વિભાગના) રાજ્યકક્ષાના મંત્રીશ્રી કમલેશભાઈ પટેલના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆતમાં મંત્રી કમલેશભાઈ પટેલે શાસ્ત્રોક્ત વિધિથી દીપ પ્રાગટ્ય કરી અને તકતીનું અનાવરણ કરીને તમામ નવનિર્મિત બાંધકામોને જેલ પ્રશાસન માટે ખુલ્લા મૂક્યા હતા.
આ નવનિર્માણમાં જેલ પરિવાર અને કેદીઓના સુધારણાત્મક કલ્યાણને ધ્યાને રાખીને આધુનિક સુવિધાઓ તૈયાર કરવામાં આવી છે. લોકાર્પણ બાદ મંત્રીશ્રીએ નવનિર્મિત ફિમેલ બેરેક, હાર્ડકોર સેલ, બાળકો માટે આંગણવાડી, મેટ્રન ઓફીસ, કેન્ટીન, લાયબ્રેરી અને ઇન્ડોર ગેમ્સ રૂમ, જનસેવા કેન્દ્ર, તથા એડમિનિસ્ટ્રેશન ઓફીસની પ્રત્યક્ષ મુલાકાત લઈને ઉપલબ્ધ સુવિધાઓનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. અને નવ નિર્મિત મકાનની મુલાકાત લઈ ઝીણવટ પૂર્વકની માહિતી મેળવી હતી.
