જૂનાગઢ મહાનગરપાલિકા કક્ષાના ૭૭ માં વન મહોત્સવની ઉજવણી

હિન્દ ન્યુઝ, જૂનાગઢ

સામાજિક વનીકરણ રેન્જ જૂનાગઢ, સામાજિક વનીકરણ રેન્જ ગીર સોમનાથના સંયુક્ત ઉપક્રમે જૂનાગઢ મહાનગરપાલિકા કક્ષાના ૭૭ માં વન મહોત્સવની ઉજવણી તારીખ ૨૨/૦૮/૨૦૨૬ ના રોજ કરવામાં આવી હતી. જેમાં ઉર્જા રાજ્ય મંત્રીશ્રી અને જૂનાગઢ જિલ્લાના સહ પ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષ સ્થાને જૂનાગઢ શહેર ખાતે સમગ્ર કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ અને ઉર્જા રાજ્ય મંત્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે, વૃક્ષ અને માનવ વચ્ચે અનેરો સંબંધ રહેલો છે. બાળકના જન્મથી તેને લાકડાના ઘોડિયા, લાકડાના રમકડાં આપવામાં આવે છે. તો જીવનના અંતિમ પડાવ સુધી લાકડી સાથે રહે છે અને મૃત્યુ સમયે લાકડાની ચિતામાં અગ્નિદાહ આપવામાં આવે છે. આપણી સંસ્કૃતિમાં વૃક્ષ જીવન મરણ સુધી સાથે જોડાયેલું રહે છે અને તેને દેવ માનવામાં આવ્યા છે. રાજ્યના તમામ જિલ્લામાં અત્યારે ઓગસ્ટ માસમાં એક પેડ માં કે નામ ૩.૦ અભિયાન ચાલી રહ્યું છે. આ તકે જાવીયા શૈક્ષણિક સંકૂલના વિદ્યાર્થીઓ દ્વારા ૧૨૦૦ જેટલા વૃક્ષોના ઉછેર અને જતનની જવાબદારી લેવામાં આવી છે. તેમજ જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ૧૫ જેટલા વિવિધ વન કવચનું નિર્માણ અંતિમ તબક્કામાં છે. જેનાથી જૂનાગઢમાં પ્રવાસનની તકો વધશે, લોકોને હરવા ફરવા માટે એક ઠંડકવાળું રમણીય હરિયાળું સ્થળ પણ પ્રાપ્ત થશે.

આ ઉપરાંત જૂનાગઢ શહેરના ધારાસભ્ય સંજયભાઇ કોરડીયાએ જણાવ્યું હતું કે, આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી એક પેડ માં કે નામ અભિયાનનો શુભારંભ ૦૫-૦૬-૨૦૨૪ થી નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યો હતો. એક માં જેમ નાના બાળકને જન્મ આપે છે તેનું પાલન પોષણ કરે છે તેવી જ રીતે દેશનો દરેક નાગરિક વૃક્ષને પોતાના બાળકની જેમ તેનું લાલન પાલન કરે તેવા શુભ હેતુથી આ અભિયાનની શરૂઆત કરાઇ હતી. મિયાવકી પદ્ધતિથી સમગ્ર જૂનાગઢ શહેર અને જિલ્લામાં વન કવચનું નિર્માણ કરાઇ રહ્યું છે. જેમાં સામાન્ય જંગલ કરતાં બમણી ગતિએ અને વધુ ગાઢ આચ્છાદન ધરાવતા વૃક્ષો બની શકે છે. દરેક નાગરિકે પોતાના જીવન દરમિયાન ઓછામાં ઓછા ૧૫ વૃક્ષો વાવવા જોઈએ અને તેનું પોષણ કરવું જોઈએ તેવી તેઓએ અંતમાં અપીલ કરી હતી.

આ તકે વન વિભાગના શ્રેષ્ઠ કામગીરી કરેલા વિવિધ કર્મચારીઓ અને શાળાના તેજસ્વી તારલાઓનો અભિવાદન સમારોહ યોજાયો હતો. તેઓ સર્વેને મંચસ્થ મહેમનોએ પ્રશસ્તિ પત્ર અને મોમેન્ટો અર્પણ કરીને સન્માનિત કર્યા હતા. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સર્વે દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તેમજ નિ:શુલ્ક રોપા વિતરણ માટેના વૃક્ષ રથને મહાનુભાવોના હસ્તે લીલીઝંડી આપવામાં આવી હતી.

કાર્યક્રમની શરૂઆત મંચસ્થ મહેમાનોને તુલસીના રોપા, મોમેન્ટો અર્પણ કરાઈને અને દીપ પ્રાગટ્ય વડે કરાઇ હતી. ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓએ પર્યાવરણ બચાઓ, વસુધૈવ કુટુંબકમ, એક પેડ માં કે નામ અભિયાન અન્વયે સ્વાગત નૃત્ય પ્રસ્તુતિ, યોગ પ્રદર્શની, અભિનય ગીત અને વકતૃત્વ વડે વિવિધ ઝાંખી આપી હતી. સ્વાગત પ્રવચન અને સમગ્ર કાર્યક્રમની ભૂમિકા ગીર સોમનાથ રેન્જ ફોરેસ્ટ ઓફિસર સુ નાણાવટીએ આપી હતી. કાર્યક્રમના અંતે આભારવિધિ આસિસ્ટન્ટ રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી એમ.આર.ઓડેદરાએ કરી હતી.

ઉપરોક્ત કાર્યક્રમ દરમિયાન જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર ધર્મેશભાઈ પોશિયા, ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, જૂનાગઢ મ્યુનિસપલ કમિશનર આઈ.આર.વાળા, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ડી.જે.જાડેજા, નાયબ વન સંરક્ષક જૂનાગઢ અક્ષય જોશી, મનનભાઈ અભાણી, કલ્પેશભાઈ અજવાણી, જાવીયા શૈક્ષણિક સંકુલના પ્રમુખ રમેશચંદ્રભાઈ જાવીયા, વિદ્યાર્થીઓ, વાલીઓ, વન વિભાગના કર્મચારીગણ સહિતના બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

Related posts

Leave a Comment