હિન્દ ન્યુઝ, માંડવી
કેટલાક કલાકારો માત્ર પોતાની કળાથી ઓળખાતા નથી, પરંતુ વર્ષો સુધી પોતાની પ્રતિભા, સાદગી અને લોકપ્રિયતાને જાળવી રાખીને સમાજના હૃદયમાં એક આગવું સ્થાન બનાવી લે છે. નિશાબેન સંઘવી આવા જ એક પ્રતિભાશાળી અને ગૌરવવંતાં કલાકાર છે.
વર્ષોથી જૈન ભક્તિ સંગીતના માધ્યમથી તેમણે અનેક શ્રાવક-શ્રાવિકાઓના હૃદય સુધી ભક્તિનો સ્વર પહોંચાડ્યો છે. સમય બદલાયો, અનેક નવા કલાકારો આવ્યા, પરંતુ નિશાબેનના સ્વરમાં રહેલી મધુરતા અને તેમની આગવી રજૂઆત આજે પણ એટલી જ લોકપ્રિય છે.
મારી દૃષ્ટિએ, સફળતા મેળવવી એ એક સિદ્ધિ છે, પરંતુ મળેલી સફળતાને વર્ષો સુધી સતત જાળવી રાખવી એ પોતાનામાં એક મોટી ઉપલબ્ધિ છે. આજે પણ જૈન ભક્તિ ગીતોના કાર્યક્રમોમાં જો નિશાબેનનું નામ લોકોની પસંદગીમાં અગ્રસ્થાને રહેતું હોય, તો તે તેમની વર્ષોની સાધના, મહેનત અને કળાપ્રતિની નિષ્ઠાનું પરિણામ છે.
નિશાબેન માત્ર એક ગાયિકા નથી, પરંતુ જૈન ભક્તિ સંગીતની સુંદર પરંપરાને પોતાની કળા દ્વારા જીવંત રાખનાર એક પ્રતિભા છે. તેમના સ્વરમાં ભક્તિ છે, તેમની રજૂઆતમાં લાગણી છે અને તેમની યાત્રામાં વર્ષોની મહેનતની સુગંધ છે.
આપની કળાનો આ ભક્તિમય સફર હંમેશાં આવી જ રીતે આગળ વધતો રહે અને આપના સ્વરથી જૈન ભક્તિ સંગીત વધુને વધુ લોકોના હૃદય સુધી પહોંચતું રહે તેવી શુભકામનાઓ.
અને ખાસ કરીને સતિષભાઈને હૃદયપૂર્વક અનુમોદના, જેઓ પોતાની આસપાસની પ્રતિભાઓને ઓળખી, તેમને પ્રોત્સાહન આપે છે અને યોગ્ય કલાકારોનું સન્માન કરીને તેમની કળાને વધુ ઊંચાઈ સુધી પહોંચાડવાનું સુંદર કાર્ય કરી રહ્યા છે.
કલાકારનું સન્માન કરવું એટલે કળાનું સન્માન કરવું… અને કળાને પ્રોત્સાહન આપવું એટલે સંસ્કૃતિને જીવંત રાખવી.
રિપોર્ટર : ચેતન શાહ, માંડવી
