જામનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે ”સુશાસન દિવસ- 2023” ની ઉજવણી કરવામાં આવી

હિન્દ ન્યુઝ, જામનગર

     દેશના પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન દિવંગત અટલ બિહારી વાજપેયીજીનો જન્મદિવસ દર વર્ષે તા.25 ડિસેમ્બરના રોજ દેશભરમાં ઉજવવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દૂરંદેશી અને જન-જનને સરકારની વિવિધ યોજનાઓ વડે લાભાન્વિત કરવાના ઉમદા ઉદેશ્ય સાથે અટલજીના જન્મદિવસને ”સુશાસન દિવસ : ગુડ ગવર્નન્સ ડે” તરીકે ઉજવવાનું નિર્ધારિત કરવામાં આવ્યું છે. જે અન્વયે, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

જેને પગલે, જામનગર જિલ્લા કલેકટર કચેરીથી જિલ્લા કલેકટર બી.એ.શાહની અધ્યક્ષતામાં વિવિધ વિભાગના અધિકારીગણ અને કર્મચારીગણ જિલ્લા કક્ષાની સુશાસન દિવસની ઉજવણીમાં સંમિલિત બન્યા હતા. ગત ઓકોટોબર માસથી વર્તમાન ડિસેમ્બર માસ દરમિયાન સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા હી સેવા ઝુંબેશના ભાગરૂપે અનેકવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. જેમાં બહોળી સંખ્યામાં જિલ્લાના નાગરિકોએ ”શ્રમદાન મહાદાન” માં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું હતું.

જામનગર જિલ્લા કલેકટર બી.એ.શાહે તમામ કર્મયોગીઓને જિલ્લાના વિકાસ માટે સતત કર્મ કરવાની અને લોક પ્રશ્નોના નિવારણ માટે જાગૃત બની રહેવા જણાવ્યું હતું. જામનગર જિલ્લા કક્ષાએ સ્વચ્છતા અંગે શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ જિલ્લા કલેકટર કચેરીને પ્રથમ ક્રમાંક, જામનગર વિસ્તાર વિકાસ સતામંડળને દ્વિતીય ક્રમાંક અને પ્રાંત અધિકારીની કચેરી, જામનગર (શહેર) ત્રીજો ક્રમાંક મેળવ્યો છે. જે બદલ, અધિકારીગણને સન્માનપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સ્વર્ણિમ સંકુલ, ગાંધીનગર ખાતે સુશાસન દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમ વડે સર્વે જિલ્લા કક્ષાના પ્રતિનિધિગણને શુભેચ્છા સંદેશ આપ્યો હતો. મુખ્યમંત્રીના હસ્તે કર્મયોગી એચ.આર.એમ.એસ. 2.0 પોર્ટલ, નિર્મળ ગુજરાત 2.0 અભિયાન અને નિર્મળ ગુજરાત 2.0 વિષે જાણકારી આપતી માર્ગદર્શિક પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું. તેમજ કાર્યક્રમમાં સુશાસનની કર્મભૂમિ- ગુજરાત મોડેલ, નિર્મલ ગુજરાત 2.0 અને કર્મયોગી એચ.આર.એમ.એસ. 2.0 પોર્ટલ વિષે જાણકારી આપતી ડોક્યુમેન્ટરી ફિલ્મનું પ્રસારણ કરવામાં આવ્યું હતું.

ઉક્ત કાર્યક્રમ દરમિયાન, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, અધિક નિવાસી કલેકટર બી.એન.ખેર, પ્રાંત અધિકારી પરમાર, ડી.આર.ડી.એ. નિયામક ચૌધરી, મુખ્ય કારોબારી અધિકારી જિજ્ઞાસા ગઢવી, કલેકટર કચેરીની તમામ શાખાના કર્મયોગીગણ તેમજ જિલ્લા સંકલન સમિતિના વિવિધ વિભાગના પ્રતિનિધિગણ ઉપસ્થિત રહ્યા હતા.

 

 

 

 

 

 

Related posts

Leave a Comment