સેવા સંકલ્પ અભિયાન
હિન્દ ન્યુઝ, આણંદ
રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્ર, આણંદના સંયુક્ત ઉપક્રમે આણંદ જિલ્લામાં ‘સેવા સંકલ્પ અભિયાન’ની જિલ્લા કક્ષાની ઉજવણીના ભાગરૂપે વલ્લભ વિદ્યાનગર સ્થિત CVM કોલેજ ઓફ ફાઈન આર્ટસ ખાતે કલા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. “સેવાના રંગ રાષ્ટ્રના સંગ” થીમ પર આધારિત આ કાર્યક્રમમાં રંગોળી અને કોલાજ વર્કની ઓપન કેટેગરીની સ્પર્ધા યોજાઈ હતી.આ સ્પર્ધામાં વ્યક્તિગત અને ગ્રુપ કેટેગરીમાં ભાગ લેવા માટે જિલ્લાભરમાંથી બહોળી સંખ્યામાં કલાપ્રેમી સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા અને પોતાની સર્જનાત્મક શક્તિનું પ્રદર્શન કર્યું હતું.
સમગ્ર સ્પર્ધાનું આયોજન આણંદના સુપ્રસિદ્ધ ચિત્રકાર અને કોલેજના ડાયરેક્ટર કનુભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થયું હતું. કલાકારોએ પોતાની કૃતિઓ દ્વારા રાષ્ટ્રભક્તિ અને સેવાના મૂલ્યોને રંગો અને કોલાજના માધ્યમથી જીવંત કર્યા હતા, આ સુંદર અને પ્રેરણાદાયી આયોજનને નિહાળવા માટે આણંદ વિધાનસભાના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર l પ્રવીણ ચૌધરી, અધિક કલેક્ટર રાહુલ ગમારા તથા જિલ્લા અગ્રણી સંજય પટેલે મુલાકાત લઈ દરેક સ્પર્ધકની કૃતિઓને નિહાળી હતી અને તેમની કલાત્મક સૂઝબૂઝની પ્રશંસા કરી તમામ સ્પર્ધકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
