હિન્દ ન્યુઝ, ડાંગ
ભારતીય હવામાન વિભાગ દ્વારા ડાંગ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે, તા. ૩૦ જુલાઈના રોજ બપોર બાદ ઓરેન્જ એલર્ટ તથા આવતીકાલે, તા. ૩૧ જુલાઈના રોજ રેડ એલર્ટ જાહેર કરાયું છે, જેના કારણે પવન સાથે અતિભારે વરસાદ વરસવાની પૂરેપૂરી સંભાવના છે. પૂર્વતૈયારીના ભાગરૂપે તેમજ વરસાદની આ પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓ અને નાગરિકોની સુરક્ષાને ધ્યાને રાખી ડાંગ જિલ્લા કલેક્ટર એન.ડી. પરમાર દ્વારા જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં આવતીકાલે શૈક્ષણિક કાર્ય બંધ રાખી રજા જાહેર કરવામાં આવી છે.
ભારે વરસાદની આગાહીના પગલે કલેક્ટર દ્વારા આહવા, વઘઈ અને સુબીર તાલુકામાં લાઇઝન અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે તેમજ તમામ સ્ટાફને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યો છે. રજા પર ગયેલા તમામ અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે અને તેઓને ફરજિયાતપણે હેડક્વાર્ટર પર હાજર રહેવા સૂચના આપવામાં આવી છે.
જિલ્લા કલેક્ટરએ વધુમાં જણાવ્યું હતું કે, ફોરેસ્ટ, માર્ગ અને મકાન વિભાગ તથા ગૃહ વિભાગના અધિકારીઓ સાથે પરસ્પર સંકલન સાધીને ઓવરટોપિંગ થાય તેવા કોઝવે અને રસ્તાઓ પર પોલીસ તથા હોમગાર્ડના જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે.
કલેક્ટરએ ડાંગના તમામ નાગરિકોને સાવચેત રહેવા, બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા અને નદી-નાળા વાળા વિસ્તારોમાં ન જવાની અપીલ કરી છે. આ ઉપરાંત પ્રવાસીઓને જળધોધ કે જળાશયોમાં પ્રવેશ ન કરવા, પશુપાલકોને જોખમી જગ્યાએ પશુઓ ન લઈ જવા તેમજ તમામ લોકોને સુરક્ષિત સ્થળે રહેવા જણાવાયું છે.
ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર ખાતેથી અધિક મુખ્ય સચિવશ્રીના અધ્યક્ષસ્થાને કુદરતી આપત્તિ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટને લગતી ઓનલાઇન સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં ડાંગ જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી સહિત જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
