હિન્દ ન્યુઝ, દાહોદ
વિશ્વ હિપેટાઇટિસ દિવસ (World Hepatitis Day) નિમિત્તે 28 જુલાઈના રોજ “Let’s Break It Down” થીમ અંતર્ગત ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલની બ્લડ બેંક ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવત તથા જિલ્લા ક્ષય અધિકારી ડૉ. આર. ડી. પહાડિયાના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે હિપેટાઇટિસ અંગે જનજાગૃતિ લાવવા માટે નિષ્ણાતો દ્વારા હિપેટાઇટિસના વિવિધ પ્રકારો, તેના સંક્રમણના માર્ગો તથા બચાવના અસરકારક ઉપાયો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
હિપેટાઇટિસ પ્રદૂષિત પાણી અને ખોરાક, અસુરક્ષિત સોય-સીરીંજના ઉપયોગ, તપાસ વિનાનું સંક્રમિત લોહી ચઢાવવાથી, માતાથી નવજાત શિશુમાં, અસુરક્ષિત જાતીય સંબંધો તેમજ રેઝર અને ટૂથબ્રશ જેવી વ્યક્તિગત વસ્તુઓની અદલાબદલીથી ફેલાઈ શકે છે તે અંગે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. ઉપરાંત, હિપેટાઇટિસ-બી સામે ઉપલબ્ધ રસીકરણના મહત્વ પર પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
રક્તદાન કેમ્પમાં આરોગ્ય કર્મચારીઓ, સામાજિક આગેવાનો તેમજ વિવિધ ક્ષેત્રના રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. કેમ્પ દરમિયાન કુલ ૪૦ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ, આર.એમ.ઓ., બ્લડ બેંકના અધિક્ષક, તાલુકા હેલ્થ ઓફિસર, આરોગ્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, બ્લડ બેંક સ્ટાફ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિ રહી હતી.
વિશ્વ હિપેટાઇટિસ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ હિપેટાઇટિસ અંગે લોકોમાં વ્યાપક જાગૃતિ લાવવાનો, સમયસર તપાસ અને સારવાર માટે પ્રેરિત કરવાનો તેમજ સુરક્ષિત જીવનશૈલી અપનાવી રોગના નિયંત્રણમાં સૌને સહભાગી બનાવવાનો છે.
