હિન્દ ન્યુઝ, જૂનાગઢ
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજીના માર્ગદર્શન હેઠળ માણાવદર તાલુકાના બાંટવા મુકામે યોજાયેલ ૧૫ દિવસીય યોગ સમર કેમ્પનો ભવ્ય સમાપન સમારોહ યોજાયો હતો.
આ સમર કેમ્પમાં ગુજરાત સરકારના લક્ષ્યાંકને સાકાર કરતાં ૨૫૦થી વધુ બાળકોની નોંધપાત્ર ભાગીદારી રહી હતી. જ્યારે સમાપન સમારોહમાં ૩૫૦ થી વધુ બાળકો, વાલીઓ અને આગેવાનોની ઉપસ્થિતિ રહી હતી.
સમગ્ર ૧૫ દિવસ દરમિયાન ૧૦ દાતાશ્રીઓએ બાળકોને ગિફ્ટ આર્ટિકલ્સનું વિતરણ કર્યું હતું. બાળકો પ્રત્યેનો તેમનો પ્રેમ, સ્નેહ અને સેવાભાવ જોઈ સમગ્ર કાર્યક્રમ ભાવવિભોર બની ગયો હતો.આ પ્રસંગે ડૉ.સુરેજા, શાળાના ટ્રસ્ટીઓ, પ્રિન્સિપાલશ્રી, નગરપાલિકાના માજીપ્રમુખ તેમજ અન્ય આગેવાન મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. તમામ દાતાશ્રીઓનું જાહેર સન્માન કરવામાં આવ્યું હતું અને તેમની સેવાભાવનાને હૃદયપૂર્વક બિરદાવવામાં આવી હતી.
સમર કેમ્પને સફળ બનાવવા માટે ૧૦ થી વધુ બહેનોએ નિઃસ્વાર્થ ભાવથી સેવા આપી હતી. તેમના અવિરત પરિશ્રમ, સમર્પણ અને બાળકો પ્રત્યેના પ્રેમ બદલ તેમનું વિશેષ જિલ્લા કો-ઓર્ડીનેટર જયંતિ કાછડીયા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
સમાપન પ્રસંગે સ્પર્ધાઓમાં પ્રથમ થી દસમો ક્રમ મેળવનાર બાળકોને વિશેષ ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તેમજ સૌથી નાની વયના બાળકનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
જિલ્લા કો-ઓર્ડીનેટર જયંતી કાછડીયાએ સંબોધનમાં તમામ વાલીઓને જીવનભર યોગ સાથે જોડાયેલા રહેવા માટે આહ્વાન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે યોગ માત્ર શરીરની કસરત નથી, પરંતુ મન, બુદ્ધિ અને આત્માને આનંદમય બનાવતી જીવનશૈલી છે. તેમણે “હેપી હોર્મોન્સ” સક્રિય કરવા માટેની સરળ યોગિક અને ધ્યાનની પદ્ધતિઓ સમજાવી હતી, જેથી દરેક પરિવાર આનંદ, સ્વાસ્થ્ય અને શાંતિ સાથે જીવન જીવી શકે.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમર કેમ્પમાં જોડાયેલા તમામ બાળકોને સમાપન પ્રસંગે પ્રમાણપત્ર (સર્ટિફિકેટ) એનાયત કરવામાં આવ્યા હતા. સાથે સાથે દરેક બાળકને સમર કેમ્પ બુક, ચિત્રલેખન (ડ્રોઇંગ) બુક અને ટોપી પણ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. સમાપન સમારોહ દરમિયાન તમામ બાળકોને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તરફથી સર્ટિફિકેટ અને ભેટસામગ્રી પ્રાપ્ત થતાં તેમના ચહેરા પર ખુશી અને ગૌરવની લાગણી સ્પષ્ટપણે જોવા મળી હતી. વાલીઓએ પણ આ સુંદર આયોજન, સંસ્કારમય પ્રવૃત્તિઓ અને બાળકોના સર્વાંગી વિકાસ માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા સમગ્ર આયોજન ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
ઝોન કો-ઓર્ડીનેટર ચેતનાબેન ગજેરા, જિલ્લા કો-ઓર્ડીનેટર જયંતી કાછડીયા, સંચાલિકા કાજલબેન અભિચંદાણી, સહ-સંચાલિકા કાજલબેન ચંદાણી તથા જીગ્નેશભાઈ રાવલના માર્ગદર્શન અને અથાગ મહેનતથી સમગ્ર કેમ્પ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.
