હિન્દ ન્યુઝ, વડોદરા
વડોદરા જિલ્લા શિક્ષણ સમિતિ અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા ૩૦થી ૩૫ વર્ષ સુધી શિક્ષણ ક્ષેત્રે નિષ્ઠાપૂર્વક સેવા આપનાર ૧૦૫ નિવૃત્ત શિક્ષકોના સન્માન અને અભિવાદનનો કાર્યક્રમ શહેરની અંબે વિદ્યાલયના સભાખંડમાં યોજાયો હતો. આ પ્રસંગે નિવૃત્ત શિક્ષકોને પુષ્પગુચ્છ, દિનચર્યા નોંધપોથી, પંચાંગ, સન્માનપત્ર તેમજ પેન્શન સંબંધિત તમામ જરૂરી દસ્તાવેજો નિવૃત્તિના દિવસે જ અર્પણ કરવામાં આવ્યા હતા.
જિલ્લા શિક્ષણાધિકારી મહેશભાઈ એમ. પાંડે દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ૩૧ મેના રોજ નિવૃત્ત થયેલા તમામ ૧૦૫ શિક્ષકોને આગામી ૧ જુલાઈથી નિયમિત પેન્શન મળવાનું શરૂ થઈ જશે. તેમણે ખાતરીપૂર્વક જણાવ્યું હતું કે પેન્શનરોને પેન્શન સંબંધિત કામગીરી માટે કચેરીના ધક્કા ખાવા નહીં પડે અને દર મહિને પગારની જેમ જ સમયસર પેન્શન જમા થશે.
આ કાર્યક્રમમાં નિવૃત્ત થતાં શિક્ષકો, તેમના પરિવારજનો તેમજ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નિવૃત્ત શિક્ષકોએ આ પહેલને આવકારતા કચેરીની સુવ્યવસ્થિત અને સંવેદનશીલ કામગીરીની પ્રશંસા કરી હતી. નિવૃત્ત થયેલા શિક્ષકોમાં ૫૫ પ્રાથમિક અને ૫૦ માધ્યમિક શાળાઓના શિક્ષકોનો સમાવેશ થતો હતો. રાજ્યમાં જિલ્લા કક્ષાએ આ પ્રકારની સૌથી મોટી અને અનોખી પહેલ તરીકે આ કાર્યક્રમ નોંધપાત્ર રહ્યો હતો.
પ્રસંગ દરમિયાન નિવૃત્ત શિક્ષકોને નિવૃત્તિ બાદ મળનારી રકમના યોગ્ય આયોજન, બચત અને રોકાણ અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત જિલ્લા કક્ષાની બે શ્રેષ્ઠ સરકારી શાળાઓના શિક્ષકો મિતુલભાઈ ગોસ્વામી (ઇન્દ્રાડ ઉચ્ચતર માધ્યમિક શાળા) અને શ્રીમતી મીતાબેન જાદવનું જિલ્લા શિક્ષણાધિકારી મહેશભાઈ એમ. પાંડેના હસ્તે પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.
અંબે વિદ્યાલયના આચાર્ય પરેશભાઈ શાહે કાર્યક્રમ માટે સંસ્થાનો સભાખંડ ઉપલબ્ધ કરાવ્યો હતો. કાર્યક્રમના અંતે નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મેહુલભાઈ પારેખે આભારવિધિ કરી હતી. રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો.
