હિન્દ ન્યુઝ, સુરત
તાજેતરમાં દેવગઢ બારીયા મુકામે ગુજરાત સ્ટેટ એથ્લેટીક એસોસિએશન દ્વારા રાજ્યકક્ષાની ‘૪૫મી ગુજરાત સ્ટેટ માસ્ટર એથ્લેટીક ચેમ્પિયનશિપ-૨૦૨૬’ યોજાઈ હતી. આ સ્પર્ધામાં સુરત મહાનગરપાલિકા સંચાલિત શ્રી ખુશાલભાઈ વનમાળીભાઈ પાલવાળા શાળા નંબર-૩૧૯ માં વ્યાયામ શિક્ષિકા તરીકે ફરજ બજાવતા શ્રીમતી યોગિતાબેન પટેલે ૩૫ થી ૪૦ વર્ષના વય જૂથમાં ભાગ લઈ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. તેમણે પોતાની રમતગમતની ક્ષમતા દર્શાવી હેમર થ્રોમાં ગોલ્ડ મેડલ, શોટપુટમાં સિલ્વર મેડલ અને જેવલિન થ્રો બ્રોન્ઝ મેડલ એમ કુલ ત્રણ મેડલ મેળવ્યા છે. આ શાનદાર સિદ્ધિ બદલ શાળાના આચાર્ય કાજલબેન પટેલે યોગિતાબેનને શાળાનું ગૌરવ વધારવા બદલ હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.
સાથોસાથ સુરત એસો.ના પ્રમુખ નીતિનભાઈ રાણા, મંત્રી ભરતભાઈ પટેલ તથા ઉપપ્રમુખ કિશોરભાઈ પટેલે પણ સુરત શહેરનું નામ રોશન કરવા બદલ યોગીતાબેનને શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવ્યા હતા.
