દાહોદ જિલ્લાના ગરબાડા ઘટક-૧ હેઠળના ગાંગરડા કેન્દ્ર-૩ ખાતે ગૂજરાત વિદ્યાપીઠની ‘પોષણ’ થીમ આધારિત પદયાત્રા યોજાઈ

હિન્દ ન્યુઝ, દાહોદ 

     મહાત્મા ગાંધીજી દ્વારા સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા દર વર્ષે યોજાતી પરંપરાગત વાર્ષિક પદયાત્રા અંતર્ગત આ વર્ષે ‘પોષણયુક્ત આહાર અને તંદુરસ્ત પરિવાર’ના સંકલ્પ સાથે વિશેષ પોષણ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત ગૂજરાત વિદ્યાપીઠની ટીમે દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકા હેઠળ આવતા ગરબાડા ઘટક-૧ ના ગાંગરડા કેન્દ્ર-૩ ખાતે સ્થિત આંગણવાડીની મુલાકાત લીધી હતી.

આ મુલાકાત દરમિયાન વિદ્યાપીઠના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કર્યું હતું. આ તકે સ્થાનિક બાળકોને સ્વાસ્થ્ય વિષયક બાબતો, પોષણક્ષમ આહાર અને તંદુરસ્ત શરીર જાળવી રાખવા માટે ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. વિશેષરૂપે, કિશોરીઓમાં જોવા મળતી એનેમિયાની સમસ્યા અંગે સ્થાનિકોમાં સમજ અને જાગૃતિ કેળવવા માટે ખાસ પ્રોગ્રામ યોજવામાં આવ્યા હતા. પદયાત્રીઓએ ગ્રામીણ સ્તરે સંતુલિત આહાર અને સ્વાસ્થ્યનું મહત્ત્વ સમજાવીને જરૂરી વિગતવાર માહિતી પૂરી પાડી હતી.

આ પદયાત્રા અંતર્ગત મુલાકાત અંગે માહિતી આપતા એમ.એ. સમાજશાસ્ત્રના વિદ્યાર્થી સાગર રાઠોડે જણાવ્યું હતું કે, “આ પદયાત્રાથી વિધાર્થીઓમાં ગ્રામ્ય સમાજ પ્રત્યે સંવેદનશીલતા અને સ્વાસ્થ્ય પ્રત્યે વિશેષ જાગૃતિ કેળવાઈ છે. આગામી દિવસોમાં પણ આ પદયાત્રા અંતર્ગત વિસ્તારના વિવિધ આંગણવાડી કેન્દ્રોની મુલાકાતો લેવામાં આવશે અને બાળવિકાસ તથા સંતુલિત પોષણ અંગેના જાગૃતિ પ્રયાસોને વધુ વેગવંત બનાવવામાં આવશે.”

ગૂજરાત વિદ્યાપીઠની આ પદયાત્રા દ્વારા ગ્રામીણ વિસ્તારમાં બાળ આરોગ્ય સુધારણા અને કૂપોષણ નિવારણ અંગે એક સકારાત્મક સંદેશ પહોંચાડવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો છે.

Related posts

Leave a Comment