હિન્દ ન્યુઝ, પાલનપુર
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવા અને ગુજરાતના નાગરિકોને સરકારી સેવાઓ આંગળીના ટેરવે ઉપલબ્ધ કરાવવા માટે રાજ્ય સરકારે સુગમ ડિજિટલ ગુજરાત’ પોર્ટલનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
રાજ્ય સરકાર દ્વારા ૫ મુખ્ય વિભાગોની ૨૦ હાઈ-ટ્રાન્ઝેક્શન સેવાઓનું ઓનલાઈન સરલીકરણ કરવામાં આવ્યું છે. જેમાં આવકનો દાખલો, જ્ઞાતિનો દાખલો, રહેઠાણનો દાખલો, નોન-ક્રિમીલેયર સર્ટિફિકેટ, રેશનકાર્ડ સંબંધિત સેવાઓ, સોગંદનામા સહિતની અગત્યની સેવાઓનો સમાવેશ થાય છે. આ સેવાઓ હવે ‘ફેસલેસ, કેશલેસ અને પેપરલેસ’ પદ્ધતિ હેઠળ ઉપલબ્ધ બનતા નાગરિકો ઘરે બેઠા મોબાઈલ અથવા કમ્પ્યુટર દ્વારા અરજી કરી શકે છે તેમજ અરજીની સ્થિતિ પણ ઓનલાઈન જાણી શકે છે.
‘સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલ’ના અમલીકરણથી વિદ્યાર્થીઓ, ખેડૂતો, શ્રમિકો, મહિલાઓ તેમજ સામાન્ય નાગરિકોને ખાસ લાભ મળી રહ્યો છે. અગાઉ દાખલા મેળવવા માટે લાંબી લાઈનમાં ઉભા રહેવું પડતું હતું, વારંવાર કચેરીએ જવું પડતું હતું તેમજ દસ્તાવેજોની હાર્ડકોપી રજૂ કરવાની પ્રક્રિયા થતી હતી, જ્યારે હવે સમગ્ર પ્રક્રિયા સરળ અને સમયબદ્ધ બની છે. ડિજિટલ વ્યવસ્થાના કારણે પારદર્શિતા વધવા સાથે કામગીરીમાં ગતિ પણ આવી છે.
બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જિલ્લાના નાગરિકો તેમજ વિદ્યાર્થીઓને આ પોર્ટલનો વધુમાં વધુ લાભ લેવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, સરકારશ્રી દ્વારા શરૂ કરાયેલ આ ડિજિટલ સેવા સામાન્ય લોકો માટે અત્યંત ઉપયોગી સાબિત થઈ રહી છે અને હવે નાગરિકો ઘરે બેઠા સરળતાથી વિવિધ દાખલા મેળવી શકે છે. બનાસકાંઠા જિલ્લામાં વિદ્યાર્થીઓને સમયસર વિવિધ દાખલા મળી રહે તે માટે વહીવટી તંત્ર સતત પ્રયત્નશીલ છે.
રાજ્ય સરકારની આ પહેલ ‘ડિજિટલ ગુજરાત’ના વિઝનને વધુ મજબૂત બનાવતી સાથે ટેકનોલોજીના માધ્યમથી પ્રજાકીય સુખાકારી અને સરળ શાસન વ્યવસ્થાનું ઉત્તમ ઉદાહરણ બની રહી છે.
સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઉપલબ્ધ ઑનલાઇન સેવાઓ
૧. આવકનો દાખલો
૨. જાતિનો દાખલો (અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ)
૩. સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગનો દાખલો
૪. ઉન્નત વર્ગમાં ન સમાવેશ થતો હોવાનો દાખલો (ક્રીમીલેયર મુક્તિ પ્રમાણપત્ર)
૫. આર્થિક રીતે નબળા વર્ગો માટેનું પ્રમાણપત્ર
૬. ગુજરાતના વતની હોવા અંગેનું પ્રમાણપત્ર (અધિવાસ પ્રમાણપત્ર)
૭. ખેડૂત હોવા અંગેનું પ્રમાણપત્ર
૮. વારસાઈ પ્રમાણપત્ર માટેની અરજી
૯. વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર
૧૦. નવું રેશનકાર્ડ મેળવવા માટેની અરજી
૧૧. રેશનકાર્ડમાં નામ ઉમેરવું
૧૨. રેશનકાર્ડમાંથી નામ કમી કરવું
૧૩. રેશનકાર્ડમાં સુધારો કરવો (નામ અથવા સરનામું)
૧૪. નકલ રેશનકાર્ડ (બીજું મેળવવા માટે)
૧૫. રેશનકાર્ડ વિભાજન (નવું અલગ રેશનકાર્ડ બનાવવું)
સામાજિક ન્યાય અને કાયદા વિભાગ
૧૬. નિરાધાર વિધવા સહાય (પ્રમાણપત્ર અને પેન્શન યોજના)
૧૭. તૈયાર સોગંદનામા (કાયદા વિભાગ દ્વારા પ્રમાણિત ફોર્મ ડાઉનલોડ કરવા)
૧૮. ડિજિટલ સેવા સેતુ અંતર્ગત ગ્રામ પંચાયતની વિવિધ સ્થાનિક સેવાઓ
૧૯. વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિની અરજી
૨૦. ચલચિત્ર અને વીડિયો પરવાના (નવા અને નવીનીકરણ)
