હિન્દ ન્યુઝ, દાહોદ
દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નીરગુડેની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન જિલ્લામાંથી નાગરિકોએ કરેલી વ્યક્તિગત તેમજ જાહેર હિતને લગતી ફરિયાદોની સંબંધિત વિભાગોના અધિકારીઓ અને અરજદારોની રૂબરૂમાં વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ દરમિયાન જમીન માપણી જમીનમાં બિનખેતી સુધારા બાબત તેમજ આકરણી પ્રકિયા સહિતના મુદ્દાઓ અંગે જિલ્લા કલેક્ટરશ્રીએ સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા કરી અને સ્થળ પર જ જરૂરી માર્ગદર્શન આપતા ફરિયાદોનું સુખદ અને સંતોષકારક નિરાકરણ કરવામાં આવ્યું હતું. કલેક્ટરએ જિલ્લાના અમલીકરણ અધિકારીઓને સૂચના આપી કે નાગરિકોની ફરિયાદો પ્રત્યે સંવેદનશીલ અભિગમ રાખી ઝડપી અને અસરકારક કાર્યવાહી સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.
જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા,નિવાસી અધિક કલેક્ટર જે.એમ.રાવલ,નાયબ કલેકટર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી હેતલ કટારા,મામલતદાર સમીરભાઈ પટેલ સહિત સંબંધિત અધિકારીઓ અને અરજદારો હાજર રહ્યા હતા.
