હિન્દ ન્યુઝ, દાહોદ
દાહોદ પંડિત દિન દયાળ ઓડિટરીયમ હોલ ખાતે દાહોદ જિલ્લા પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાના અધ્યક્ષ સ્થાને ગુજરાત વાયબ્રન્ટ રીજનલ સમિટ અંતર્ગત જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં રાજ્ય મંત્રી રમેશભાઈ કટારા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
દીપ પ્રાગટ્ય થકી શરૂ થયેલ આ પ્રોગામમાં નિવાસી અધિક કલેકટરશ્રી જે. એમ. રાવલ દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ પ્રભારી મંત્રી તેમજ રાજ્યમંત્રી સહિત ઉપસ્થિત તમામ મહાનુભાવોનું પુષ્પ ગુચ્છ અને મોમેન્ટો આપીને પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ સંદર્ભે ઉપસ્થિત સૌએ VGRC પર AV તેમજ ન્યુ MSME પોલિસી ૨૦૨૬ પર AV ફિલ્મ પ્રસ્તુતિ નિહાળી હતી. ત્યારબાદ વિહંગ પંચાલ નામના યુવા ઉદ્યોગ સાહસિક એ પોતાને મળેલ સફળતા ને પોતાના શબ્દોમાં વર્ણવી હતી. એ સાથે વાયબ્રન્ટ ગુજરાત – ૨૦૨૬ અંતર્ગત દાહોદ જિલ્લામાં સ્થાપિત થનાર ઔદ્યોગિક એકમો દ્વારા સરકાર સાથેના MOU કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ પ્રેરક ઉદ્દબોધન આપતાં કહ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં ઉદ્યોગનીતિઓ સાથે ડબલ એન્જીનની સરકારએ ગુજરાતને સમગ્ર વિશ્વ માં ડેસ્ટીનેશન સેન્ટર બનાવ્યું છે. ગુજરાત રાજ્યમાં ઉત્તમ પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. ગ્રામ્ય કક્ષાના રસ્તાઓ પણ ઉત્તમ કક્ષાના છે. એમ કહેતાં એમણે ધોલેરાનું ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કર્યું હતું.
દાહોદ જિલ્લાની વાત કરતાં મંત્રીએ કહ્યું હતું કે, વિકસિત દાહોદ બનાવવા માટે દાહોદનું એકેએક ઘર, નાગરિક, પરિવાર અને ખેડૂતનો વિકાસ જરૂરી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત@૨૦૪૭ ના વિઝનને સાકાર કરવા માટે આપણે સૌએ ભેગા મળીને પ્રયાસો કરવાના છે. દાહોદ જિલ્લાને સમૃદ્ધ બનાવવા માટે નવા સ્ટાર્ટ અપ ને વેગ મળે, મૂડીરોકાણ માટે ઉદ્યોગ ક્ષેત્રે દાહોદ પોતાની ઓળખ બનાવે એ એ માટે ઉદ્યોગપતિઓ પહેલ કરે એ જરૂરી છે.
આ પ્રસંગે રાજ્યમંત્રી રમેશભાઈ કટારાએ કહ્યું હતું કે, પહેલાની સ્થિતિએ આજના સમયે દાહોદ જિલ્લાનો ઘણો વિકાસ થઇ રહ્યો છે. સરકાર તરફથી તમામ પ્રકારની સહાય દાહોદના લોકોને મળી રહી છે. સાથે તમામ ક્ષેત્રો જેવા કે, શિક્ષણ,આરોગ્ય જેવા અનેક ક્ષેત્રોમાં દાહોદ વિકાસ તરફ આગળ વધી રહ્યું છે.
આ અવસરે લાભાર્થીઓને પ્રભારી મંત્રીશ્રી તેમજ રાજ્યમંત્રીના વરદ હસ્તે મંજૂરી પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં કુલ રૂ. ૫૪ લાખથી વધુની સહાય આપવામાં આવી હતી.
જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારીએ આભારવિધિ કરી હતી.
અંતમાં ઉપસ્થિત સૌ મહાનુભાવો દ્વારા પ્રદર્શન સ્ટોલ ની મુલાકાત લઇને તેઓનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો.
આ પ્રસંગે કલેકટર સુરભિ ગૌતમ, પ્રાયોજના વહીવટદાર પ્રતિક જૈન, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખ ગમાબેન મોહનિયા, દાહોદ નગરપાલિકા પ્રમુખ, દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, ગરબાડા ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર, લીમખેડા ધારાસભ્ય શૈલેષભાઇ ભાભોર તેમજ અન્ય પદાધિકારીઓ-અધિકારીઓ, જિલ્લા રજીસ્ટાર કચેરી તાબાની લેમ્પસ / સેવા સહકારી મંડળીઓના સેક્રેટરીઓ તથા દાહોદ જિલ્લાના Apmc વેપારીઓ, ઉદ્યોગપતિઓ, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
