હિન્દ ન્યુઝ, જૂનાગઢ
જૂનાગઢની ધરતી ગિરનારની ગોદમાં વસેલી છે. અહીંનો પવન પણ પ્રકૃતિની સુગંધ લઈને ફરે છે. પરંતુ આ હરિયાળી માત્ર કુદરતની દેન નથી; તેની પાછળ વર્ષોનું જતન, સંવેદના અને સમર્પણ પણ છુપાયેલું છે. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે જ્યારે સમગ્ર વિશ્વ પર્યાવરણ સંરક્ષણની વાત કરે છે ત્યારે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી આ વિચારને માત્ર ઉજવતી નથી, પરંતુ વર્ષના ૩૬૫ દિવસ જીવતી પણ રહે છે.લોકો સહિત સૌના સહિયારા પ્રયાસથી જૂનાગઢ મોતીબાગ કેમ્પસ માત્ર જૂનાગઢનું નહીં પણ ગુજરાતનું નજરાણું છે.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. વી.પી. ચોવટિયાના શબ્દોમાં, “પ્રકૃતિને માત્ર બચાવવાની વાતો પૂરતી નથી. જ્યાં સુધી માણસ પ્રકૃતિની લાગણીઓ અનુભવતો નહીં થાય, ત્યાં સુધી પર્યાવરણમાં સાચો સુધારો શક્ય નથી.”
યુનિવર્સિટીના વિશાળ કેમ્પસમાં પ્રવેશતાં જ વૃક્ષોની હરોળો, પક્ષીઓના કલરવ અને શીતળ પવન મનને મોહી લે છે. અહીં આવેલા ૪૦ હેક્ટર એટલે કે અંદાજે ૨૫૦ વિઘા વિસ્તારમાં ફેલાયેલા ત્રણ બોટનિકલ ગાર્ડન સમગ્ર ગુજરાત માટે ગૌરવ સમાન છે.
આ ગાર્ડનમાં ૧૧૦ જેટલા વનસ્પતિ કુળ, ૨૧૦ જેટલી જિનસ અને આશરે ૩૫૦ વિવિધ પ્રજાતિઓનું સંવર્ધન કરવામાં આવ્યું છે. ઔષધીય છોડ, છાંયડાદાર વૃક્ષો, શોભાના છોડ, ઇમારતી લાકડાં માટે ઉપયોગી પ્રજાતિઓ અને દુર્લભ વનસ્પતિઓ અહીં જીવંત વારસા તરીકે સાચવવામાં આવી છે.
મોતીબાગથી મધુરમ ગેટ સુધીનો વિસ્તાર જાણે હરિયાળીની ચાદર ઓઢીને ઉભો હોય એવું લાગે છે. આ હરિયાળી માત્ર યુનિવર્સિટીની નહીં, પરંતુ સમગ્ર જૂનાગઢ શહેરની શ્વાસનળી સમાન છે.
“વૃક્ષો તો ધરતીના શ્વાસ છે, એને જીવવા દો.” ગુજરાતી સાહિત્યકાર રમેશ પારેખની પંક્તિ આજે પહેલાં કરતાં વધુ પ્રાસંગિક બની છે. વિશ્વમાં ૩ ટ્રિલિયનથી વધુ વૃક્ષો હોવા છતાં વધતી વસ્તી અને વિકાસની દોડ વચ્ચે હરિયાળી ઘટી રહી છે.
ભારતમાં પ્રતિ વ્યક્તિ સરેરાશ ૨૮ વૃક્ષો છે, જ્યારે ગુજરાતમાં આ આંકડો માત્ર ૫.૫ વૃક્ષો સુધી સીમિત છે. રાજકોટ અને અમદાવાદ જેવા શહેરોમાં તો સ્થિતિ વધુ ચિંતાજનક છે, જ્યાં પ્રતિ વ્યક્તિ એક વૃક્ષ જેટલી હરિયાળી ઉપલબ્ધ છે.આ આંકડાઓ માત્ર સંખ્યા નથી, પરંતુ ભવિષ્ય માટેની ચેતવણી છે.
વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે યુનિવર્સિટી દર વર્ષે ૫૦૦થી વધુ વૃક્ષોનું વાવેતર કરે છે. પરંતુ અહીં કાર્ય માત્ર વાવેતર સુધી મર્યાદિત નથી. દરેક છોડનું જતન, સંરક્ષણ અને ઉછેર કરવામાં આવે છે.
ડૉ. ચોવટિયા જણાવે છે કે વૃક્ષો વાવવાથી વધુ મહત્વનું તેમને જીવંત રાખવાનું છે. આ જ વિચારસરણીના કારણે આજે યુનિવર્સિટીનો સમગ્ર વિસ્તાર હરિયાળીથી છલકાય છે.
આજનો માણસ પ્રકૃતિને સંસાધન માને છે. વધુ મેળવવાની લાલસામાં તે કુદરતનું સતત દોહન કરી રહ્યો છે. આ ભોગવાદી માનસિકતાએ પ્રદૂષણ, ગ્લોબલ વોર્મિંગ, જળવાયુ પરિવર્તન અને કુદરતી અસંતુલનને જન્મ આપ્યો છે.ડૉ. ચોવટિયાના મતે, જો માણસનો દૃષ્ટિકોણ બદલાય અને પ્રકૃતિ પ્રત્યે કૃતજ્ઞતા, સંવેદના અને સહઅસ્તિત્વની ભાવના વિકસે તો પર્યાવરણનું સંતુલન આપોઆપ સ્થાપિત થઈ શકે.
આજે પૃથ્વીનું વધતું તાપમાન, અતિવૃષ્ટિ, અનિયમિત ઋતુચક્ર અને પાણીની સમસ્યાઓ માનવજાત સામે મોટા પડકાર તરીકે ઉભી છે. આ તમામ સમસ્યાઓનો સૌથી સરળ અને અસરકારક ઉપાય વૃક્ષો છે.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી વર્ષોથી હરિયાળીના આ યજ્ઞમાં અવિરત યોગદાન આપી રહી છે. અહીંથી ખેડૂતો અને વૃક્ષપ્રેમીઓને નજીવા દરે વિવિધ રોપાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે, જે સમગ્ર પ્રદેશને હરિયાળો બનાવવાના પ્રયાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
ગિરનારની ગોદમાં વસેલી આ યુનિવર્સિટી માત્ર કૃષિ શિક્ષણનું કેન્દ્ર નથી, પરંતુ પ્રકૃતિ સાથે પ્રેમપૂર્વક જીવવાની પ્રેરણા આપતી સંસ્થા છે.વિશ્વ પર્યાવરણ દિવસ આપણને યાદ અપાવે છે કે પૃથ્વી આપણો ફક્ત વારસો નથી, પરંતુ આવતી પેઢી પાસેથી લીધેલી અમાનત છે.
“એક વૃક્ષ વાવવું એટલે માત્ર છોડ રોપવો નહીં, પરંતુ ભવિષ્યને ઓક્સિજન આપવો.” અને કદાચ એટલા માટે જ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનું હરિયાળું કેમ્પસ આજે મૌન રહીને પણ સમાજને એક મોટો સંદેશ આપી રહ્યું છે.
“જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના મધડી બાગમાં જીવંત છે સદીઓનો ઇતિહાસ : દુર્લભ મહોગની વૃક્ષ સંરક્ષણની પ્રેરણા આપે છે”
મધ્ય અમેરિકા અને કેરેબિયન પ્રદેશના ઉષ્ણકટિબંધીય જંગલોમાંથી વિશ્વભરમાં પ્રસિદ્ધિ પામેલું મહોગની વૃક્ષ સદીઓથી તેના કિંમતી અને ટકાઉ લાકડાને કારણે જાણીતું રહ્યું છે. ૧૭મી અને ૧૮મી સદી દરમિયાન યુરોપિયન દેશોમાં રાજમહેલો, વૈભવી ફર્નિચર અને જહાજ નિર્માણમાં મહોગનીના લાકડાનો વ્યાપક ઉપયોગ થતો હતો, જેના કારણે તેને “લાકડાનો રાજા” તરીકે પણ ઓળખ મળેલી. સમય જતાં અતિશય કાપણી અને કુદરતી વસવાટના ઘટાડાને કારણે મહોગનીની કેટલીક પ્રજાતિઓ દુર્લભ બનતી ગઈ અને આજે સંરક્ષણની જરૂરિયાત ધરાવે છે. આવા ઐતિહાસિક અને વૈજ્ઞાનિક મહત્વ ધરાવતા મહોગનીનું વૃક્ષ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના મધડી બાગમાં સંરક્ષિત સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે, જે યુનિવર્સિટીની સમૃદ્ધ વનસ્પતિ ધરોહરનું પ્રતિક છે. આ વૃક્ષ માત્ર એક દુર્લભ પ્રજાતિ તરીકે જ નહીં, પરંતુ વિશ્વના વનસ્પતિ ઇતિહાસ, જૈવવિવિધતા સંરક્ષણ અને પ્રકૃતિ પ્રત્યેની આપણી જવાબદારીના જીવંત દસ્તાવેજ તરીકે પણ ઊભું છે. વિદ્યાર્થીઓ, સંશોધકો અને પ્રકૃતિપ્રેમીઓ માટે તે કુદરતના વૈભવ અને સંરક્ષણની આવશ્યકતાનો અનોખો સંદેશ આપે છે.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી માત્ર કૃષિ શિક્ષણ અને સંશોધનનું કેન્દ્ર જ નથી, પરંતુ શહેરના નાગરિકો માટે હરિયાળી વચ્ચે આરોગ્ય અને માનસિક શાંતિનું પણ એક પ્રિય સ્થળ બની છે. મહોગની સહિતના અનેક દુર્લભ, વિશાળ અને છાયાદાર વૃક્ષોથી આચ્છાદિત યુનિવર્સિટીનો વિસ્તાર પ્રકૃતિના ખોળામાં સમય વિતાવવાની અનોખી તક આપે છે. વહેલી સવારે સૂર્યોદયની શીતળ કિરણો વચ્ચે અને સાંજના મનોહર વાતાવરણમાં અહીં મોટી સંખ્યામાં નાગરિકો યોગ, પ્રાણાયામ, વોકિંગ અને હળવી કસરત કરતા જોવા મળે છે.
પક્ષીઓના કલરવ, તાજી હવા અને વૃક્ષોની હરિયાળી વચ્ચેનો આ અનુભવ શારીરિક તંદુરસ્તી સાથે માનસિક પ્રસન્નતા પણ પ્રદાન કરે છે. આ રીતે કૃષિ યુનિવર્સિટી માત્ર જ્ઞાનનું જ નહીં, પરંતુ જૂનાગઢ શહેરના નાગરિકોના આરોગ્ય, સુખાકારી અને પ્રકૃતિ સાથેના જોડાણનું પણ એ એક મહત્વપૂર્ણ કેન્દ્ર બની ગઈ છે
