હિન્દ ન્યુઝ, આણંદ
ભારતના ચૂંટણી પંચ દ્વારા 111- ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે, તદઅનુસાર ચૂંટણી નું મતદાન આગામી 23મી એપ્રિલના રોજ યોજાનાર છે.
ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ 111- ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીમાં જેમને ફરજ સોંપવામાં આવી છે તેવા તમામ અધિકારીઓ/ કર્મચારીઓ ને ચૂંટણી ફરજ દરમ્યાન કંઈ પણ આરોગ્યલક્ષી તકલીફ ઊભી થાય તો તાત્કાલિક શ્રેષ્ઠ સુવિધા અને તે પણ કેસલેસ સારવાર મળી રહે તે માટે પ્રાથમિક સારવાર માટે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ઉમરેઠ, જનરલ હોસ્પિટલ આણંદ, જનરલ હોસ્પિટલ ભાલેજ તથા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કાર્ડિયાક સારવાર માટે ઝાયડસ હોસ્પિટલ આણંદ અને શ્રી ક્રિષ્ના હોસ્પિટલ કરમસદ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ હોસ્પિટલ સાથે એમઓયુ કર્યા છે.
આ હોસ્પિટલો સાથે ટાઈ અપ કરવામાં આવ્યું છે તે મુજબ ચુંટણીના અનુસંધાને ચુંટણી ફરજ પર રોકાયેલ તમામ મુલકી સ્ટાફ / પોલીસ કર્મચારી – અધિકારીશ્રી / કેન્દ્રીય – અન્ય રાજ્યના સુરક્ષા દળો તથા ચુંટણી ફરજ પરના ખાનગી સ્ટાફને કેસલેસ તબીબી સારવાર મળી રહેશે.
વધુમાં ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીમાં રોકાયેલા કોઈપણ અધિકારીઓ કે કર્મચારીને આરોગ્યલક્ષી તકલીફ આ ફરજ દરમ્યાન ઊભી થાય અને હાર્ટ ને લગતી સારવાર માટે તાત્કાલિક ઝાયડસ હોસ્પિટલ, આણંદ ખાતે સારવાર મેળવી લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જે અધિકારી/કર્મચારીઓને ચૂંટણીમાં ફરજ સોંપવાના હુકમ કરવામાં આવ્યા છે, તેવા કર્મચારીઓને ફરજના ભાગરૂપે ફરજ દરમિયાન આરોગ્યલક્ષી સેવા મેળવવાની થશે તેમના માટે સારવાર દરમિયાન અધિકારી/કર્મચારી કે અન્ય સ્ટાફ દ્વારા કોઈપણ પ્રકારનું શુલ્ક ચૂકવવાનું રહેતું નથી તેમ પણ જણાવ્યું છે.
