ધરમપુરમાં ‘વ્યાસ તીર્થ’નું ભવ્ય શ્રોતાર્પણ, પૂ. શ્રી મોરારિબાપુના કરકમળોથી લોકાર્પણ

હિન્દ ન્યુઝ, ધરમપુર

      ધરમપુરના વિશ્વવિખ્યાત ભાગવત કથાકાર પૂ. શરદભાઈ વ્યાસ (દાદા) ના પવિત્ર ધામ વ્યાસ તીર્થ ખાતે વેદ વ્યાસજીના મંદિરનું ભવ્ય અને ભાવસભર શ્રોતાર્પણ સમારોહ યોજાયો હતો. આ ઐતિહાસિક પ્રસંગે પરમ પૂજ્ય શ્રી મોરારિબાપુના કરકમળોથી શ્રી વેદ વ્યાસજીની પ્રતિમાનું વિધિવત પૂજન કરી વ્યાસ તીર્થને જનસામાન્ય માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.

પૂજ્ય મોરારિબાપુના આગમન સાથે સમગ્ર ધરમપુર વિસ્તાર આધ્યાત્મિક આનંદોલનમાં તરબોળ બની ગયો હતો. પોતાના આશીર્વચનમાં મોરારિબાપુએ જણાવ્યું હતું કે, “આ કળિયુગ નથી, કથાયુગ છે. કથા વગર આ જગત ચાલી શકે નહીં.” તેમણે શરદભાઈ વ્યાસના આધ્યાત્મિક યોગદાનને બિરદાવતાં વ્યાસ પરંપરાની મહત્તા સમજાવી ધર્મ, સંસ્કાર અને સદાચારના માર્ગે આગળ વધવાની પ્રેરણા આપી હતી.

આ પ્રસંગે ભારતના સ્વચ્છ ભારત અભિયાનના એમ્બેસેડર શિવમ મિશ્રા ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે પૂ. શ્રી શરદભાઈ વ્યાસ ધરમપુરના સ્વચ્છ ભારત એમ્બેસેડર તરીકે પણ પોતાની સેવાઓ આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે પૂ. શ્રી શરદભાઈ વ્યાસે અત્યાર સુધી દેશ-વિદેશમાં કુલ ૮૩૪થી વધુ ભાગવત કથાઓ કરી આધ્યાત્મિક ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપ્યું છે. 

કાર્યક્રમમાં બોલિવૂડના પ્રખ્યાત ગીતકાર રવિન્દ્ર રાવલ પણ હાજર રહ્યા હતા. તેમણે વ્યાસ આરતીની રચના કરી છે, જે ટૂંક સમયમાં લોન્ચ થવાની છે. ઉપરાંત, ટીવી સિરિયલોના જાણીતા સ્ક્રિપ્ટ રાઇટર હિતેનભાઈ ગણાત્રા પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે વેદ વ્યાસજીના જીવન પર આધારિત વેબ સિરીઝ બનાવવાની જાહેરાત આ મંચ પરથી કરી હતી.

સમારોહ દરમિયાન પૂ. શરદભાઈ વ્યાસે પોતાની અમૃતવાણીથી શ્રોતાઓને ભાવવિભોર કર્યા હતા, જ્યારે આશિષભાઈ વ્યાસે પણ આધ્યાત્મિક વિચારો સાથે પ્રવચન આપી કાર્યક્રમને વિશેષ ઊંચાઈ આપી હતી. આ પાવન પ્રસંગે ધરમપુર,કપરાડાના ધારાસભ્ય સહિત અનેક અગ્રણીઓ, સંતો અને ભક્તોની ઉપસ્થિતિ નોંધપાત્ર રહી હતી.

રાત્રિના સમયે લોકસંસ્કૃતિને ઉજાગર કરતો શ્રી માયાભાઈ આહીરનો લોક ડાયરો યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકસાહિત્યપ્રેમી શ્રોતાઓ ઉપસ્થિત રહ્યા હતા. વ્યાસ તીર્થના શ્રોતાર્પણ સાથે ધરમપુરને એક નવા આધ્યાત્મિક કેન્દ્ર તરીકે ઓળખ મળી હોવાનું ભક્તજનો દ્વારા જણાવાયું હતું. આવનારા સમયમાં આ તીર્થ ધર્મપ્રેમી શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું મહત્વપૂર્ણ કેન્દ્ર બનશે એવી લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.

વલસાડ જીલ્લા બ્યુરોચીફ : મહેશ ટંડેલ

Related posts

Leave a Comment