પદયાત્રીઓએ ડભોઈના લીંગસ્થળીથી શિનોર એ. પી. એમ. સી. સુધીનું અંતર કાપ્યું

હિન્દ ન્યુઝ, વડોદરા

     સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતીના ઊજવણીના ભાગરૂપે સરદાર પટેલના વતન (કરમસદ, આણંદ) થી શરૂ થયેલી પદયાત્રા વડોદરા જિલ્લાના શિનોર તાલુકા ખાતે પહોંચી ચૂકી છે. રાષ્ટ્રીય પદયાત્રાના સાતમા દિવસે પદયાત્રીઓએ ડભોઈ તાલુકાના લીંગસ્થળી સ્થિત જલારામ મંદિરથી શિનોર એ. પી. એમ. સી. સુધી કૂચ કરી હતી. આ સાત દિવસ દરમિયાન પદયાત્રીઓ ૯૦ થી વધુ કિલોમીટરનું અંતર કાપી ચૂક્યા છે. આવતીકાલે બુધવારે સાંજે આ પદયાત્રા વડોદરા જિલ્લામાંથી વિદાય લઈને નર્મદા જિલ્લામાં પ્રવેશ કરશે. 

    કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા અને રાજ્ય મંત્રી કૌશિક વેકરિયાએ આજે સમગ્ર દિવસ દરમિયાન પદયાત્રાની સુકાની કરી હતી. તેમની સાથે જિલ્લા પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ, વડોદરા જિલ્લા કલેક્ટર ડૉ. અનિલ ધામેલિયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મમતા હિરપરા અને જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ સહિતના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ જોડાયા હતા.

    કાયાવરોહણ – સાધલી રોડ પર સરદાર સ્મૃતિ વન ખાતે મહાનુભાવોએ ૫૬૨ રોપાઓ વાવીને દેશી રજવાડાઓના વિલીનીકરણ સાથે હરિયાળા ગુજરાતનો સંદેશ આપ્યો હતો.

    રૂટમાં ટીંબારવા ગામ ખાતે પદયાત્રાનું ભવ્યાતિભવ્ય સ્વાગત થયું હતું. ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા અને કરજણ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય અક્ષય પટેલે પણ અહીં પદયાત્રાનું સ્વાગત કરીને પદયાત્રામાં સહભાગિતા નોંધાવી હતી. 

    બપોરે સાધલી ગામ ખાતે સરદાર ગાથા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી, પંજાબના રાજ્યપાલ ગુલાબચંદ કટારિયા, કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા સહિતના મહાનુભાવોએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં સરદાર પટેલના વિઝન તથા અંખડ ભારતના નિર્માણ માટે તેમના અમૂલ્ય યોગદાનનું વર્ણન કર્યું હતું. 

    બપોરના વિરામ બાદ પદયાત્રીઓએ સાધલીથી શિનોર એ. પી. એમ. સી. સુધી કૂચ કરી હતી. શિનોર એ. પી. એમ. સી. ખાતે સરદાર પટેલના જીવન કવન પર અને તેમના ઉચ્ચ આદર્શો આધારિત પ્રદર્શની અને ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. સરદાર પટેલના ભવ્ય વારસાને પિરસતા આ સાંસ્કૃતિક કાર્યક્રમો થકી પદયાત્રીઓ અને સ્થાનિકોમાં ઉત્સાહનો સંચાર થયો હતો. અહીં રાત્રિ રોકાણ બાદ આવતીકાલે બુધવારે રાષ્ટ્રીય પદયાત્રા મોટા ફોફળિયા, બીથલી ગામ થઈને પોઈચા ધામ પહોંચશે અને ત્યાંથી સાંજે નર્મદા જિલ્લામાં પ્રવેશ કરશે.

Related posts

Leave a Comment