સરદાર@૧૫૦ : કરમસદથી કેવડિયા સુધી સરદારની ગાથા ગુંજશે

હિન્દ ન્યુઝ, રાજપીપલા

     નર્મદા જિલ્લામાં સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતીને સમર્પિત સરદાર@૧૫૦ થીમ હેઠળ ચાલી રહેલી રાષ્ટ્રીય યુનિટી માર્ચ ૩ ડિસેમ્બરના રોજ પોઈચા ધામ ખાતે પહોંચશે. આ અવસરે જિલ્લામાં સરદાર સાહેબના જીવનમૂલ્યો, રાષ્ટ્રનિર્માણ અને એકતા-અખંડતા વિષે જનજાગૃતિ વધે તે માટે બે વિશેષ પ્રેરણાદાયી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

બિહાર રાજ્યના માન. રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનની વિશેષ ઉપસ્થિતિમાં તા. ૪ ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ સાંજે ૪:૦૦ કલાકે રાજપીપલાની પુરાણી ક્રિકેટ એકેડમી ખાતે “સમાજ સુધારક સરદાર” વિષયક વ્યાખ્યાનનું આયોજન છે, જેમાં રાજ્યપાલશ્રી આરિફ મોહમ્મદજી સરદાર પટેલના સામાજિક સુધારાના કાર્યો પર પ્રકાશ પાડશે.

૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ સવારે ૧૧:૩૦ કલાકે ભાણદ્રા ચોકડી ખાતે “સરદાર અને તેમના સાથીદારો” વિષયક કાર્યક્રમનું આયોજન છે. આ કાર્યક્રમમાં દેશના એકીકરણ દરમ્યાન સરદાર પટેલ સાથે અડગપણે કાર્ય કરનારા તેમના સહયોગીઓની વીરગાથાઓ રજૂ કરવામાં આવશે. આયોજનનો મુખ્ય ઉદ્દેશ યુવાનોમાં રાષ્ટ્રપ્રેમ, નેતૃત્વ, સંગઠનશક્તિ અને ફરજબોધ જેવી સરદાર સાહેબની મૂલ્યો પ્રત્યે પ્રેરણા ફેલાવવાનો છે.

ઉલ્લેખનીય છે કે, “એક ભારત – આત્મનિર્ભર ભારત ” થીમ હેઠળ કરમસદથી કેવડિયા સુધીની અંદાજિત ૧૫૨ થી વધુ કિ.મી.ની રાષ્ટ્રીય યુનિટી માર્ચને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ૨૬ નવેમ્બર, ૨૦૨૫ના રોજ વલ્લભ વિદ્યાનગરના શાસ્ત્રી મેદાનથી પ્રારંભ કરાવી હતી. નર્મદા જિલ્લામાં વિવિધ ગ્રામ્ય-શહેરી વિસ્તારમાં પદયાત્રાને ઉષ્માસભર આવકાર તથા સ્વાગત કરાશે. ગ્રામસભા, સરદાર સાહેબના જીવનપ્રસંગો, દેશપ્રેમ તેમજ દેશને જોડવામાં બહુમૂલ્ય યોગદાનની વિવિધ કાર્યક્રમોના માધ્યમથી પ્રસ્તૂતી કરાશે. આ પદયાત્રાનું ભવ્ય સમાપન ૬ ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે થશે.

Related posts

Leave a Comment