સાંસદ જશુભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન અને માનવ વિકાસ ફાઉન્ડેશન દ્વારા એક દિવસીય સેમિનાર યોજાયો

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર 

    ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન અને માનવ વિકાસ ફાઉન્ડેશન દ્વારા સંયુક્ત ઉપક્રમે ડૉ. બાબા સાહેબ આંબેડકર ભવન, છોટાઉદેપુર ખાતે સાંસદ જશુભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.  

આ પ્રસંગે સાંસદશ્રી જશુભાઈએ જણાવ્યું હતું કે, ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા આદિજાતિ સમાજના કારીગરો, નાના વેપારીઓ અને ઉદ્યોગ સાહસિકોને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે. આવી યોજનાઓનો લાભ લઈને આદિજાતિ યુવાઓ અને મહિલાઓ આત્મનિર્ભર બની શકે છે. 

આ સેમિનારમાં ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશનના કાર્યપાલક નિયામક સી.બી. બલાત (IAS) દ્વારા કોર્પોરેશનની વિવિધ યોજનાઓનો લાભ કેવી રીતે લઈ શકાય તેમજ તેમાં મળતી સહાય અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ GTDCના સ્ટાફ સન્ની પટેલ દ્વારા જીટીડીસીની વિવિધ લોન યોજનાઓ અંગે પ્રેઝન્ટેશન મારફતે ઉપસ્થિત નાગરિકોને માહિતી આપવામાં આવી હતી.

આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે આદિજાતિ વિકાસની વિવિધ યોજનાઓ અંતર્ગત લાભાર્થીઓને ચેક તથા સરતી હુકમ (Sanction Order) એનાયત કરવામાં આવ્યા હતા.

આ સેમિનારનો મુખ્ય હેતુ ગુજરાત રાજ્યમાં આદિજાતિ સમુદાયના કારીગરો તથા ઉદ્યોગ સાહસિકોને નાણાકીય સહાય, રોજગારીની તકો અને વ્યવસાયિક વિકાસ અંગે માર્ગદર્શન આપવાનો હતો. સાથે GTDC તથા NSTFDC, ન્યૂ દિલ્હી ની યોજનાઓ સંદર્ભે લોન/સહાયની યોજનાઓ અંગે જનજાગૃતિ અભિયાન અંતર્ગત માહિતી આપી લાભાર્થીઓને વધુ સશક્ત બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

આ પ્રસંગે આદિજાતિ વિકાસ મદદનીશ કમિશનર એ.એસ.ખવડ, મદદનીશ કમિશનર શિક્ષણ પી.ઓ. શાહ, આદિજાતિ વિકાસ અધિકારી જી.ટી.પટેલ, ટીડીઓ સાગર કળસરિયા સહિત અન્ય પદાધિકારીઓ, લાભાર્થીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment