હિન્દ ન્યુઝ, દાહોદ
દાહોદ તાલુકાના ટીમરડા ગામ ખાતે સામુહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા “સ્વસ્થ નારી – સશક્ત પરિવાર” અભિયાન અંતર્ગત વિશાળ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત સરકારના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ આરોગ્ય શિબિરનું ઉદ્ઘાટન જિલ્લા પંચાયત સભ્ય રમણભાઈ ભાભોર, તાલુકા સભ્ય મંગાભાઈ પરમાર, સરપંચ દિવાનભાઈ ભાભોર તથા અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ગીરીવરસિંહ બારિયા તેમજ ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના તબીબોની વિશિષ્ટ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ આરોગ્ય કેમ્પમાં અનેક તબીબી સેવાઓ લાભાર્થીઓ માટે મફત ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
કેમ્પની મુખ્ય કામગીરીઓ :
૧ ૩૦ વર્ષથી ઉપરના લાભાર્થીઓનું ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર સ્ક્રીનીંગ કરવામાં આવ્યું.
૨ ટીબી અને લેપ્રશી અંગે જાગૃતિ આપી, જેમાં ૧૮૯ શંકાસ્પદ દર્દીઓના મોબાઈલ એક્સ-રે
૩ વાન દ્વારા એક્ષરે કરવામાં આવ્યા સાથે સાથે નિક્ષય મિત્ર દ્વારા ૧૦ દર્દીઓને પોષણ કિટ આપીને નિક્ષય મિત્ર બનાવવામાં આવ્યા.
૪ કુટુંબ નિયોજનની માહિતી સાથે સાથે ૦૧ બાળકોવાળા દંપતી તથા સાસુ-વહુને માર્ગદર્શન આપવામાં આવ્યું.
૫ ગર્ભવતી મહિલાઓ (ANC) ની તપાસ અને આયુષ્માન કાર્ડનું વિતરણ.
૬ ધાત્રી માતાઓને સ્તનપાનની યોગ્ય રીતો સમજાવવામાં આવી.
૭ વ્હાલી દીકરી યોજના, માસિક સ્વચ્છતા અને પોષણ અંગે કિશોરીઓ તથા મહિલાઓને જાગૃત કરવામાં આવી.
કેમ્પ દરમિયાન ૩૭૮ OPD, જેમાંથી એક બાળ દર્દીને વધુ સારવાર માટે રીફર કરાયો. આ કેમ્પ માં કુલ ૩૧૦ લેબોરેટરી તપાસો પણ કરવામાં આવી. આમ આરોગ્ય કેમ્પથી ગામ તથા આજુબાજુના વિસ્તારોના મોટી સંખ્યામાં લોકો લાભાન્વિત થયા હતા.
આ કાર્યક્રમ દરમિયાન અધિક જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ગીરીવરસિંહ બારિયાએ આરોગ્ય જાગૃતિ અંગે લોકો સાથે વાતચીત કરી અને જીવનશૈલીમાં જરૂરી ફેરફાર અંગે માર્ગદર્શન આપ્યું હતું સામુહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ડૉ. આશિષ ધાણકી, RBSK ડૉક્ટરો, વિવિધ આરોગ્ય વિભાગના કર્મચારીઓ તેમજ ગ્રામપંચાયતના આગેવાનોની સક્રિય ભાગીદારી રહી હતી.
