હિન્દ ન્યુઝ, વડોદરા
વડોદરાની સરકારી હોસ્પિટલની મુલાકાત દરમિયાન આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ આરોગ્ય વિભાગના HOD, તબીબો અને કર્મચારીઓ તેમજ વિધાર્થીઓ અને સારવાર લેતા દર્દીઓ સાથે સંવાદ કર્યો અને સમસ્યાઓનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરી તાત્કાલિક યોગ્ય કાર્યવાહી માટે અધિકારીઓને સૂચના આપી.
આરોગ્ય સેવામાં વ્યવસ્થા સાથે સંવેદના અને વિકાસ સાથે માનવતા એજ ગુજરાત સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા. :- આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા
આદરણીય લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં આરોગ્ય સેવાઓને વધુ સુદૃઢ, સુલભ અને માનવતાસભર બનાવવા માટે રાજ્ય સરકાર સતત કાર્યરત છે. આ અભિગમના ભાગરૂપે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ વડોદરાની સરકારી હોસ્પિટલની મુલાકાત લઈ વિવિધ વિભાગોનું સ્થળ પર નિરીક્ષણ કરીને વિભાગના HOD, તબીબો અને કર્મચારીઓ તેમજ વિધાર્થીઓ અને સારવાર લેતા દર્દીઓ સાથે સંવાદ કર્યો.
આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, આરોગ્ય વિભાગની કામગીરી માત્ર કચેરીમાં બેસીને સમીક્ષા કરવાથી પૂર્ણ થતી નથી. છેવાડાના ગ્રામ્ય વિસ્તારથી લઈને ટાઉન પ્લેસ અને શહેર સુધી રૂબરૂ જઈ દર્દીઓ અને તેમના પરિવારજનોને પડતી અગવડતાઓ, હોસ્પિટલની વ્યવસ્થાઓ તથા તબીબો અને કર્મચારીઓને આવતી મુશ્કેલીઓનું સ્થળ પર નિરીક્ષણ કરવું જરૂરી છે. આજના નિરીક્ષણ દરમિયાન ધ્યાન પર આવેલી બાબતો અંગે સિવિલ સર્જન, સુપરિન્ટેન્ડન્ટ તથા નિયામકશ્રી સાથે બેઠક યોજી જરૂરી સૂચનાઓ અને કાર્યવાહી કરવામાં આવશે.
તેમણે વધુમાં જણાવ્યું કે, સરકારી આરોગ્ય વ્યવસ્થામાં પ્યુનથી લઈને નિષ્ણાત સર્જન સુધી અસંખ્ય કર્મચારીઓ દિવસ-રાત દર્દીઓની સેવા કરી રહ્યા છે. ક્યાંય કોઈ ક્ષતિ જણાય તો તેને સમયસર સુધારવી અને ગરીબ તથા સામાન્ય નાગરિકને શ્રેષ્ઠ સારવાર સાથે આત્મસંતોષ મળે તે રાજ્ય સરકારની પ્રાથમિકતા છે.
વડોદરાની મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓની સમસ્યાઓ અંગે પણ આરોગ્ય મંત્રીશ્રીએ ગંભીરતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે, વિદ્યાર્થીઓ અને અધિકારીઓ સાથે રૂબરૂ સંવાદ કરી તેમની સમસ્યાઓ સમજવામાં આવશે. મેડિકલ શિક્ષણ ક્ષેત્રે કોઈ પણ પ્રકારની અપ્રિય ઘટના ન બને અને વિદ્યાર્થીઓને સુરક્ષિત, સન્માનજનક તથા સકારાત્મક વાતાવરણ મળે તે માટે માનવતાના અભિગમ સાથે જરૂરી પગલાં લેવામાં આવશે.
હોસ્પિટલની જૂની તથા નિર્માણાધીન નવી ઇમારતો અંગે પણ આરોગ્ય મંત્રીશ્રીએ સ્થળ પર વિગતો મેળવી હતી. નવી ઇમારતોના પ્લાનિંગ કે કામગીરીમાં કોઈ ક્ષતિ કે સમસ્યા હોય તો તેને અત્યારથી જ ઓળખી તેનું નિરાકરણ લાવવાના પ્રયાસો કરવામાં આવશે. આગામી સમયમાં ન્યુરો-કેન્સર સહિતની અદ્યતન સારવાર સુવિધાઓ તેમજ કિડની અને આંખના વિભાગ જેવી વિશિષ્ટ તબીબી સેવાઓ વધુ સક્ષમ રીતે ઉપલબ્ધ થાય તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.
હોસ્પિટલમાં દર્દીઓને સ્ટ્રેચર, સેનિટેશન સહિતની સુવિધાઓ અંગે અવારનવાર સામે આવતા પ્રશ્નો અંગે મંત્રીએ જણાવ્યું કે, મીડિયા દ્વારા હોસ્પિટલની વાસ્તવિક સમસ્યાઓ સરકારના ધ્યાન પર લાવવામાં આવે છે, જેની સકારાત્મક ભૂમિકા છે. મીડિયા દ્વારા ધ્યાન દોરવામાં આવેલી બાબતોને નકારાત્મક રીતે નહીં પરંતુ વ્યવસ્થામાં સુધારા માટેના મહત્વપૂર્ણ ઇનપુટ તરીકે જોવામાં આવે છે. આજના નિરીક્ષણ દરમિયાન પણ સેનિટેશન, સ્ટ્રેચર, પંખા સહિતની પાયાની સુવિધાઓ અંગે સ્થળ પર જ માહિતી મેળવી અધિકારીઓને જરૂરી કાર્યવાહી માટે સૂચના આપવામાં આવશે.
રાજ્યમાં હાલ સ્વાઇન ફ્લૂ સહિતના સીઝનલ વાયરલ રોગોની સ્થિતિ અંગે આરોગ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં સ્થિતિ પર સતત મોનિટરિંગ રાખવામાં આવી રહ્યું છે. સ્વાઇન ફ્લૂ તેમજ અન્ય ચેપી રોગો અંગે નિયમિત સમીક્ષા બેઠકો યોજાઈ રહી છે. ચાંદીપુરા વાયરસના કેસોમાં પણ આરોગ્ય વિભાગની ટીમોએ સમયસર કામગીરી કરી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં દવાનો છંટકાવ, કીટનાશક કામગીરી તથા સેન્ડફ્લાયના નિયંત્રણ સહિતના પગલાં લેવામાં આવ્યા છે.
પાનશેરીયાએ ભારપૂર્વક જણાવ્યું કે, આરોગ્ય સેવા માત્ર નિયમો અને કાયદાઓ પૂરતી સીમિત નથી, પરંતુ તે માનવતાના અભિગમ સાથે જોડાયેલું ક્ષેત્ર છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ વિકાસ સાથે માનવતાના અભિગમ અને ‘વસુધૈવ કુટુંબકમ્’ની ભાવનાને કેન્દ્રસ્થાને રાખી જે દિશા આપી છે, તે દિશામાં ગુજરાતનું આરોગ્ય વિભાગ વધુ સંવેદનશીલ અને લોકકેન્દ્રિત આરોગ્ય વ્યવસ્થા ઊભી કરવા માટે પ્રતિબદ્ધ છે.
આરોગ્ય મંત્રીએ અધિકારીઓને સ્પષ્ટ સંદેશ આપ્યો કે, દર્દીઓની સુવિધા, હોસ્પિટલની વ્યવસ્થા, કર્મચારીઓની સમસ્યાઓ અને આરોગ્ય સેવાઓની ગુણવત્તા અંગે કોઈપણ પ્રકારની ક્ષતિ જણાય તો તેને સમયસર દૂર કરવામાં આવે અને દરેક સ્તરે જવાબદારીપૂર્વક કામગીરી સુનિશ્ચિત કરવામાં આવે.
