કાલાવડ તાલુકાના નિકાવા ગામે કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી

હિન્દ ન્યુઝ, કાલાવડ 

      કાલાવડ તાલુકાના નિકાવા ગામે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન શ્રીકૃષ્ણે મથુરાની જેલમાં શ્રાવણ કૃષ્ણપક્ષ આઠમની મધરાત્રે અવતાર ધારણ કર્યો હતો, જેની ખુશીમાં સમગ્ર ભારતભરમાં શહેરો અને ગામડાઓમાં શોભાયાત્રાઓ, નગરચર્યા, સરબત વિતરણ અને મટકી ફોડ જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

      આ જ ક્રમમાં નિકાવા ગામના મેઈન બજારમાં આવેલ પૌરાણિક ઠાકર – શ્રી રામજી મંદિરે દિવસભર શ્રીકૃષ્ણને વધાવવા અનેક વિધ કાર્યક્રમો કરીને રાત્રે ભવ્ય મહા-આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. રાત્રિ દરમિયાન યોજાયેલી આ દિવ્ય મહા-આરતીમાં નિકાવા ગામના ભક્તો મોટી સંખ્યામાં ભાવી ભક્તો જોડાયા હતા અને શ્રીકૃષ્ણની આરતીનો લાભ લીધો હતો. આરતી બાદ ભક્તો દ્વારા ભજન-સાખીઓનું ગાન કરવામાં આવ્યું હતું અને “જય શ્રીકૃષ્ણ” ના જયઘોષથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. અંતે તમામ ભક્તોએ ભગવાનના દર્શન કરી, પારણું ઝુલાવીને ધન્યતા અનુભવી હતી અને પ્રસાદ ગ્રહણ કરીને છુટા પડ્યા હતા.

અહેવાલ : ભોજાભાઈ ટોયટા, નિકાવા

Related posts

Leave a Comment