જાવલા ગામે સેવાસેતુ કેમ્પ યોજાયો, જરૂરિયાતમંદોને ઘરઆંગણે મળ્યો યોજનાઓનો લાભ

હિન્દ ન્યુઝ, વડોદરા

    ધારાસભ્ય કેતનભાઈ ઇનામદારની ઉપસ્થિતિમાં યોજાયેલા કેમ્પમાં આરોગ્ય, સમાજ કલ્યાણ અને આઈ.સી.ડી.એસ. સહિત વિવિધ વિભાગોની સેવાઓનો નાગરિકોએ લાભ લીધો

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના જાવલા ગામ ખાતે ધારાસભ્ય કેતનભાઈ ઇનામદારની ઉપસ્થિતિમાં સેવાસેતુ અંતર્ગત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જાવલા ઉપરાંત આસપાસના ગામોના લાભાર્થીઓએ પણ કેમ્પનો લાભ લીધો હતો. કેમ્પ દરમિયાન સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત નાગરિકોને વિવિધ સેવાઓ અને યોજનાકીય લાભો ઘર નજીક ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. 

આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા માતૃશક્તિ યોજના, બાળશક્તિ યોજના અને પૂર્ણા યોજના અંતર્ગત કુલ ૩૫ લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો હતો. સમાજ કલ્યાણ વિભાગ દ્વારા વિધવા સહાયના ૧૨, વયવંદના યોજનાના ૧ અને નિરાધાર સહાયના ૧, મળી કુલ ૧૪ લાભાર્થીઓને સરકારની કલ્યાણકારી યોજનાઓ હેઠળ આવરી લેવામાં આવ્યા હતા.

આરોગ્ય વિભાગ દ્વારા કેમ્પમાં ૨૭૭ આભા કાર્ડ, ૧૧૦ એન.સી.ડી. કેમ્પ-હેલ્થ એન્ડ વેલનેસ કાર્ડ, નમો શ્રી યોજના અંતર્ગત ૨૮ અરજીઓ તથા આયુષ્માન યોજના અંતર્ગત ૫૪૧ અરજીઓ સ્વીકારવામાં આવી હતી. આમ, આરોગ્ય વિભાગની વિવિધ સેવાઓનો કુલ ૯૭૦ નાગરિકોએ લાભ લીધો હતો.

આ પ્રસંગે ધારાસભ્ય કેતનભાઈ ઇનામદારે જણાવ્યું હતું કે, સરકાર અને પદાધિકારીઓના સંકલિત પ્રયાસોના પરિણામે સેવાસેતુ જેવા કેમ્પોના માધ્યમથી નાગરિકોને ઘર નજીક જ વિવિધ સરકારી યોજનાઓનો લાભ મળી રહે છે. આવા કેમ્પો યોજાય ત્યારે જરૂરિયાતમંદ નાગરિકોને મદદરૂપ બની સમાજસેવાનું અને ‘આંગળી ચીંધ્યાનું પુણ્ય’ મેળવવાની તક ઝડપી લેવી જોઈએ. તેમણે આગામી તા. ૮ના રોજ વડોદરા ખાતે યોજાનારા વડાપ્રધાનશ્રીના કાર્યક્રમમાં નાગરિકોને સહભાગી થવા અપીલ પણ કરી હતી.

કેમ્પમાં પ્રાંત અધિકારી રોનક શાહ, જાવલા ગામના સરપંચશ્રીમતી ભારતીબેન પટેલ, અગ્રણી વિજયભાઈ પટેલ, કિરીટભાઈ પટેલ, મહેશભાઈ પટેલ, તાલુકા આરોગ્ય અધિકારી એસ.એમ. ખાન સહિત અધિકારીઓ, પદાધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment