હિન્દ ન્યુઝ, બોટાદ
બોટાદ જિલ્લામાં કપાસનો પાક પુષ્કળ પ્રમાણમાં થાય છે અને કપાસનાં ઊભા પાકમાં ગુલાબી ઇયળ, ટપકાં વાળી ઇયળ અને લીલી ઇયળ વધુ થાય છે. તેનું વ્યવસ્થાપન કરવું ખૂબ જ જરૂરી છે અને તે માટે અહીં અમુક પગલાંઓ સુચવવામાં આવ્યાં છે.
ગુલાબી ઇયળની મોજણી માટે નર ફુંદાને આકર્ષતા ફેરોમોન ટ્રેપ (લ્યુર સાથે) એકર દીઠ ૨ ની સંખ્યામાં લગાડવા, રોજ ફુંદાની સંખ્યા તપાસવી અને શરૂઆતથી લઇ કપાસની છેલ્લી વીણી સુધી આવા ફેરોમોન ટ્રેપ કપાસ ઉગાડતા દરેક ખેડૂતોએ સામુહિક ધોરણે વાપરવા અને નિર્દેશ મુજબ સમયાંતરે રેલ્યુર બદલવા જોઈએ.
લીંબોળીનો મીંજ ૪%+ લીંબોળીનું તેલ ૫૦ મીલી અથવા લીમડાયુક્ત દવાનો (૦.૨૫%) પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી ૫૦-૬૦ દિવસે છંટકાવ કરવો. ગુલાબી ઈયળના વ્યવસ્થાપન માટે ગોસીપ્લુર ૪% આરટીયુ ટ્યુબનાં વટાણાં કદનાં ટપકાંઓ (અંદાજિત ૮૦૦ છોડ/હે., ૨૦૦-૨૫૦ ગ્રામ/હે.) એકાંતરે કપાસની હાર છોડીને બે છોડની વચ્ચે ૫ મીટરનાં અંતરે છોડનાં અગ્ર ભાગે (૩-૪ ઈંચ નીચે) મુકવા. આ માવજત વાવણીનાં ૪૫, ૭૫ અને ૧૦૫ દિવસે આપવી જોઈએ.
ગુલાબી ઈયળના જૈવિક નિયંત્રણ માટે ઈંડાની પરજીવી ભમરી, ટ્રાયકોગ્રામેટોઈડી બેક્ટરી ૧ થી ૧.૫ લાખ પ્રતિ હેક્ટરે ૧૫ દિવસના અંતરે ૪ થી ૫ વખત પાનની નીચેની બાજુએ ચીપકાવી વાપરવા. કીટનાશકોના છંટકાવની જરૂરિયાત ઉપસ્થિત થાય તો પરજીવી ભમરી છોડ્યાં બાદ ૭ દિવસનો ગાળો રાખી છંટકાવ કરવો જોઈએ.
ક્રાયસોપાને ખેતરમાં હેક્ટર દીઠ ૧૦ હજાર ઈંડા અથવા પ્રથમ અવસ્થાની ઈયળોને બે થી ત્રણ વખત છોડવાથી જીંડવાની ઇયળોનું નિયંત્રણ કરી શકાય. ગુલાબી ઇયળના જૈવિક નિયંત્રણ માટે સાવજ એમડીપી ટેક્નોલોજીની ૪૦૦ ગ્રામ પેસ્ટ પ્રતિ હેક્ટર મુજબ (એકસરખા ૧૦૦૦ ટપકાને બે ડાળીની વચ્ચેની જગ્યા પર), પ્રથમ માવજત જીવાતનો ઉપદ્રવ જણાય (ફૂલ અવસ્થા) ત્યારે અને પછીની બે માવજત, પ્રથમ માવજતના ૩૦ દિવસના અંતરે આપવું જોઈએ.
કાબરી ઇયળ કપાસનાં છોડની શરૂઆતની અવસ્થામાં ડૂંખમાં પેસી જઇ ડૂંખને નુકશાન કરતી હોય છે. ખેતરમાં આવી નુકશાન પામેલ ડૂંખને હાથથી દબાવી દેવાથી તેમાં રહેલી ઇયળનો નાશ થાય છે. લીલી ઇયળનું ફૂદુ કપાસનાં છોડની ટોચ પરનાં કુમળા ભાગ પર ઈંડા મૂકતી હોય છે, આવા ટોચનાં પાન ઉપર મુકાયેલા ઈંડા સહિતનાં પાન વીણી લેવા તથા લીલી ઇયળની મોટી અવસ્થાની ઇયળોનો હાથથી વીણીને નાશ કરવો જોઈએ.
પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતોએ ઊભાં પાકમાં ઈયળ નિયંત્રણ માટે વાનસ્પતિક કીટનાશકોનો(૬ થી ૮ લીટર કીટનાશક ૨૦૦ લીટર પાણીમાં એક એકર મુજબ) છંટકાવ કરવો.
ફુલ અવસ્થાએ ફુલોમાં ગુલાબી ઈયળના ઉપદ્રવ અને નુકશાનની ચકાસણી કરવી. મોજણી દરમ્યાન ફુલોમાં ૧૦% નુકશાન (વિકૃત/ રોસેટ/ બંધ પાંખડીવાળા) જોવા મળે તો ભલામણ કરેલ કીટનાશકોનો છંટકાવ કરવો અને છોડ ઉપર વિકૃત થયેલ (રોસેટ) ફુલો કે ખરી પડેલ ફુલ-ભમરીનો ઇયળ સહિત નાશ કરવો.
કપાસમાં લીલી ઇયળ અને લશ્કરી ઈયળ માટેનું વિષાણુંયુકત દ્રાવણ અનુક્રમે (એચએનપીવી) ૪૫૦ અને (એસએનપીવી) ૨૫૦ ઇયળ યુનિટ પ્રતિ હેકટરે છાંટવાથી ઈયળોમાં રોગ ઉત્પન્ન થાય છે અને ઈયળ નાશ પામે છે. ખેતરમાં આવી રોગગ્રસ્ત ઈયળો છોડના ટોચના ભાગે ઉંધી લટકેલ જોવા મળે છે.એન.પી.વી. હંમેશા સાંજનાં સમયે છાંટવું જોઈએ.
ઇયળોનાં નિયંત્રણ માટે કપાસનાં ખેતરમાં થોડા થોડા અંતરે પક્ષી બેસી શકે તે માટે ઝાડની ડાળીઓ ગોઠવવીઅને તેની નીચે પાણી ભરી રાખવું જેથી જીવાત ખાનાર પક્ષી તેનાં પર બેસી ખેતરમાં રહેલી જીવાતો સહેલાઇથી શોધી ખાઇ શકે.
ગુલાબી ઇયળના કુદરતી પરભક્ષીઓ જેવાં કે બ્રેકોન ગેલેચીડી અને ઇલાસમસ જહોનસ્ટોની કે કોશેટાના પરજીવી માઇક્રોબ્રેકોન લેફરોયની હાજરી જોવા મળે તો ઓછી હાનિકારક કીટનાશકોનો ઉપયોગ કરવો.
પાકમાં સ્થાનિક જીવાતો (એન્ડેમિક પેસ્ટ)નો વધુ ઉપદ્રવ જણાયેથી આપના કાર્યક્ષેત્રને લગત કૃષિ યુનિવર્સીટી દ્વારા ભલામણ કરેલ રાસાયણિક જંતુનાશક દવાઓનો જરૂરીયાત તેમજ ભલામણ મુજબ ઉપયોગ કરવો. વધુમાં, જંતુનાશક દવાનાં વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલાં લેબલ મુજબ જે તે પાક માટે, આપવામાં આવેલ ડોઝ અને જે તે રોગ/ જીવાત માટેની દવાનો ઉપયોગ ભલામણ મુજબ સંકલિત જીવાત વ્યવસ્થાપનના ભાગરૂપે તબક્કાવાર અનુસરવો જોઈએ.
આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારનાં ગ્રામસેવક /વિસ્તરણ અધિકારી/ ખેતી અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારી/ મદદનીશ ખેતી નિયામક/ જિલ્લા ખેતીવાડી અધિકારી/ નાયબ ખેતી નિયામક(વિસ્તરણ)/ નાયબ ખેતી નિયામક(તાલીમ) નો સંપર્ક કરવો.
(માહિતી સોર્સ: મુખ્ય કપાસ સંશોધન કેન્દ્ર, નવસારી કૃષિ યુનિવર્સીટી અને કપાસ સંશોધન કેન્દ્ર, જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી)
