છોટાઉદેપુર,
છોટાઉદેપુર જિલ્લામાં મેઘરાજાનું જોરદાર આગમન થયુ છે. છેલ્લા ૩ દિવસથી જિલ્લામાં દરેક જગ્યાએ મુશળધાર વરસાદ વરસી રહ્યો હોવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. છોટાઉદેપુર જિલ્લામાં તેમજ ઉપરવાસમાં સતત ધોધમાર વરસાદ પડતો હોય, જેને લઇને પાવીજેતપુર તાલુકામાં આવેલ અંતરિયાળ ગામોને જોડતા દરેક કોઝવે ઉપર નદીના પાણી ફળી વળ્યા છે. જેમાં ડુંગરવાંટથી જાંબુઘોડા જવાના કોઝવે અને ભિખાપુરાના ગઢ ગામ પાસે આવેલ કોઝવે પર પાણી ફળી વળતા વાહનવ્યવહાર બિલકુલ બંધ થઈ ગયો હતો. ડોલરિયા ગામ નજીકથી પસાર થતી સુકેતી નદીમાં પુર આવતા નદી બે કાંઠે વહેતી થઈ હતી. જેથી નદીની સામે કિનારે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જવાનો રસ્તો બંધ થઈ ગયો હતો. પાવીજેતપુર તાલુકાના લગભગ બધાજ ગામોને એકબીજા સાથે જોડતા દરેક કોઝવે ઉપરથી નદીનું પાણી વહેતું હોય, ગામવાસીઓ એક બીજા ગામથી સંપર્ક વિહોણા જોવા મળી રહ્યા છે. કોઝ વે ઉપર નદીના ધસમસતા પાણીનો પ્રવાહ સતત વહી રહ્યો હોવાથી કોઈ કોઝવે ઓળંગવાની હિમ્મત ન કરતું હોય, કેટલાય ગામવાસીઓ અટવાયા છે.
રિપોર્ટર : નઈમ હુઈ, છોટાઉદેપુર