પગથી પોતાનું ભાગ્ય લખતી બોટાદની છાયાને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા બિરદાવવામાં આવી : પત્ર લખી આપી શુભેચ્છા

હિન્દ ન્યુઝ, બોટાદ 

              સફળતાનો માર્ગ પડકારો હોવા છતાં આગળ વધવાની હિંમતથી મોકળો થાય છે. આ વાત સાબિત કરી બતાવી છે બોટાદની દિકરી છાયાએ.. થોડા સમય અગાઉ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું પરિણામ જાહેર થયું તેમાં છાયાએ 51 ટકા પ્રાપ્ત કર્યા છે. બંને હાથે દિવ્યાંગ હોવા છતાં છાયાએ કોઈપણ મદદ વગર ધોરણ-12 આર્ટ્સની પરીક્ષા આપી અને તેમાં સારી ટકાવારી સાથે ઉત્તીર્ણ થઈ હતી. તેની આ સિદ્ધિને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પત્ર લખી બિરદાવવામાં આવી છે. 

              બોટાદના નાના પાળીયાદ ગામની વતની અને ખેડૂત પુત્રી છાયા ધોરિયા બોટાદની મોડેલ સ્કૂલ ખાતે 12માં ધોરણમાં અભ્યાસ કરી રહી હતી. બોટાદની મોડેલ સ્કૂલમાં છાયાને મોટા સપના જોવાની હિંમત મળી અન્ય વિદ્યાર્થીઓ સાથે અભ્યાસ કર્યો. છાયાએ બીજા બધા વિદ્યાર્થીઓની જેમ જ બોર્ડની પરીક્ષા આપી, પણ હાથને બદલે, તેણે પગનો ઉપયોગ કર્યો હતો. 

  મુખ્યમંત્રીશ્રીના દ્વારા છાયાને લખાયેલા પત્રમાં જણાવાયું છે કે, “કોઈ પણ સમુદાયની પ્રગતિને મહિલાઓએ કેટલી પ્રગતિ કરી છે, તેના પરથી માપી શકાય છે” 

             “દિવ્યાંગતાને પડકાર આપીને ધોરણ – ૧૨ આર્ટસની પરીક્ષામાં સફળતા મેળવી, તે જાણી આનંદ સહ ગર્વની અનુભૂતિ થઈ.જીવન એક અનંત યાત્રા છે, જેમાં દરેક પળમાં સંઘર્ષ, દુઃખ, સુખ અને આનંદનો સમન્વય જોવા મળે છે, પરંતુ આ યાત્રામાં જે વસ્તુ સૌથી વધુ મહત્ત્વની છે, તે છે માનવીની અદમ્ય સંઘર્ષ શક્તિ. જ્યારે આપણે કોઈ વ્યક્તિના જીવન સંઘર્ષને નીહાળીએ છીએ ત્યારે સમજાય છે કે, સાચી શક્તિ શારીરિક શક્તિમાં નથી, પરંતુ માનસિક અને આત્મિક શક્તિમાં છે. બંને હાથે દિવ્યાંગ હોવા છતાં જો તમારો જુસ્સો બુલંદ હોય તો તમારા માટે કઈ પણ શક્ય બને છે, અને માનવી પોતે જ એક યોદ્ધો બની જાય છે. શિક્ષણ માત્ર શારીરિક રીતે સક્ષમ લોકો માટે જ નથી, તેની પહોંચ દરેક માટે સુલભ હોવી જોઇએ, એના પર સૌનો સમાન અધિકાર છે. દિવ્યાંગ હોવાથી જીવન અટકતું નથી પરંતુ અપ્રતિમ જુસ્સાથી બેવડા જોશથી જીવનનો દરેક સંઘર્ષ પાર પડી શકે છે.”

             “દિવ્યાંગતાને મ્હાત આપીને ધોરણ – ૧૨ આર્ટસની પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરી, જે પ્રેરણાત્મક છે. જેનાં પેપર્સ બંને હાથ ન હોવાથી પગથી લખ્યાં હતા, જે રણમાં ખીલ્યું ગુલાબ જેવી દુર્લભ વાત કહેવાય, જે પાળીયાદ, બોટાદ અને ગુજરાતની યશકલગીમાં એક પ્રેરણાત્મક શૌર્યગાથા ઉમેરવા બરાબર છે. આ સફળતાથી આપે મૉડેલ શાળા, બોટાદ તથા આપના પરિવારનું નામ ઉજ્જવળ કર્યું છે, તે સરાહનીય છે.”

            આ વિદ્યાર્થિનીની કુશળતા શાળાના શિક્ષકો તેમજ સ્કૂલના વિદ્યાર્થીઓ પણ પ્રોત્સાહિત થયા છે. મોડેલ સ્કૂલના આચાર્ય વિક્રમસિંહ પરમાર, સ્કૂલના તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓ છાયાને દરેક કામમાં પૂર્ણ સહયોગ આપે છે, અને તેની હિંમત વધારવા માટે હંમેશા તત્પર રહે છે.

        

Related posts

Leave a Comment